Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

મા બનવા માટે પત્નીએ જેલમાં બંધ બળાત્કારી પતિના માંગ્યા જામીન

હાઇકોર્ટે સરકારથી લઈને તજજ્ઞો પાસેથી અભિપ્રાય માંગતા એવું પણ જાણવાનો પ્રયાસ કર્યો છે કે વિદેશમાં આવા કેસમાં શું પરંપરા રહી છે

નૈનીતાલ,તા.૭ : ઉત્ત્।રાખંડ હાઇકોર્ટ સમક્ષ 'પત્નીના અધિકાર' સાથે જોડાયેલી એક અરજી આવી છે, જેના પર કોર્ટે સરકારનો અભિપ્રાય માંગ્યો છે. કોર્ટે ન્યાય મિત્રને કહ્યુ છે કે બીજા દેશમાં આ પ્રકારના કેસમાં શું સ્ટેન્ડ લેવામાં આવે છે, આ અંગે જાણકારી એકઠી કરીને કોર્ટ સમક્ષ મૂકવામાં આવે. અરજી કરનાર મહિલાનો પતિ સગીરા સાથે સામૂહિક બળાત્કાર કેસમાં ૨૦ વર્ષની સજા ભોગવી રહ્યો છે. બળાત્કારીની પત્નીએ હાઇકોર્ટ સમક્ષ અરજી કરી છે કે તેણી માતૃત્વ સુખ મેળવવા માંગે છે, આ માટે તેના પતિને અમુક સમય સુધી જામીન પર મુકત કરવામાં આવે.

ઉત્ત્।રાખંડ હાઇકોર્ટની ચીફ જસ્ટિસ કોર્ટે સરકાર અને ન્યાય મિત્ર પાસે આ મામલે અભિપ્રાય આપવાનું કહ્યું છે. અરજીકર્તા તેમજ અન્ય ત્રણ સાથીઓને નૈનીતાલ જિલ્લા કોર્ટે એક સગીરા સાથે ટ્રકમાં સામૂહિક બળાત્કારના આરોપમાં સાત વર્ષ પહેલા ૨૦ વર્ષની સજા ફટકારી હતી. બળાત્કારીની અરજી કોર્ટે આ પહેલા પણ બે વખત રદ કરી હતી. હવે આ નવા જ એંગલ સાથે આરોપી સચિનને જામીન આપવાની અરજી કરવામાં આવી છે.

આ અરજીમાં સચિનની પત્ની તરફથી કહેવામાં આવ્યું છે કે તેના પતિની ધરપકડ થઈ ત્યારે તેણીના લગ્નને ત્રણ મહિના થયા હતા. ત્યારે માતૃત્વ સુખથી વંચિત રહેલી મહિલાએ હવે માતૃત્વ સુખનો અધિકાર મેળવવા માટે અરજીમાં કહ્યુ છે કે જેલમાં બંધ તેના પતિને થોડા સમય સુધી જામીન પર મુકત કરવામાં આવે. જોકે, આ અરજી પર સુનાવણી કરતા હાઇકોર્ટે જે ટિપ્પણી કરી છે તેનાથી આ આખા કેસ પર સવાલ ઊભા થયા છે.

કોર્ટે કહ્યુ કે, જેલમાં બંધ વ્યકિત, તેની પત્ની અને આ વ્યવસ્થાથી જન્મ લેનાર બાળકોના અધિકાર અંગે સંપૂર્ણ જાણકારી મેળવવી જોઈએ. એવું પણ જોવું જઈએ કે પાછળથી શું બાળક પણ પોતાના પિતા સાથે રહેવાનો અધિકાર માંગી શકે છે! કોર્ટે એવો પણ સવાલ કર્યો કે શું આવા બાળકને જન્મ આપવાની મંજૂરી આપી શકાય, જેનું પાલન-પોષણ મુશ્કેલ હશે, કારણ કે માતા એકલી રહે છે. સાથે જ પિતા વગર રહેવાથી મનોવૈજ્ઞાનિક પ્રભાવ શું હશે? કોર્ટે એવો પણ સવાલ કર્યો કે જો કેદીને સંતાન પેદા કરવાની છૂટ આપવામાં આવે તો શું રાજય સરકારને તેની દેખરેખ માટે બાધ્ય કરી શકાય છે.

ચીફ જસ્ટિસ કોર્ટે આ મામલે ન્યાય મિત્ર જેએફ વિર્ક તેમજ અરજીકર્તાના વકીલને કહ્યુ કે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જેવા દેશમાં આ પ્રકારની પરિસ્થિતિમાં કોર્ટે કેવી પરંપરાનું પાલન કર્યું છે. આ અંગે સંપૂર્ણ માહિતી મેળવીને કોર્ટે જાણ કરવામાં આવે. સાથે જ હાઇકોર્ટે આ મુદ્દે રાજય સરકારને પોતાનો અભિપ્રાય આપવાનું કહ્યુ છે.

(11:35 am IST)