Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

મુંબઈના ૩ સ્ટેશનો-બચ્ચનના બંગલે બોમ્બના ફોન કોલથી દહેશત

મુંબઈ પોલીસને ગઈકાલે રાત્રે એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો જેમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, ભાઈખલા અને દાદર રેલ્વે સ્ટેશન તથા અમિતાભ બચ્ચનના બંગલે બોમ્બ હોવાનું જણાવાયું : અજાણ્યા ફોન કોલને ગંભીર ગણી રેલ્વે સ્ટેશનો અને બીગ-બીના બંગલે સઘન તપાસઃ હજુ સુધી કશું મળ્યુ નથીઃ સુરક્ષા વધારાઈ : બે શંકાસ્પદોની ધરપકડ

મુંબઈ, તા. ૭ :. મુંબઈ પોલીસને મળેલા એક અજાણ્યા ફોન કોલએ સમગ્ર રાજ્યમાં હલચલ મચાવી દીધી છે. મુંબઈ પોેલીસને એક અજ્ઞાત ફોન આવ્યો હતો જેમાં રાજ્યના ત્રણ મહત્વના રેલ્વે સ્ટેશનો અને સુપર સ્ટાર અમિતાભ બચ્ચનના બંગલા પર બોમ્બ હોવાની વાત જણાવવામાં આવી હતી. પરંતુ તપાસમાં આ કોલ બનાવટી નીકળ્યો. બીજી બાજુ આ મામલે મુંબઇ ક્રાઇમ બ્રાંચની સીઆઇયુ એ બે લોકોની ધરપકડ કરી છે.

આ સમાચાર બહાર આવતાની સાથે જ ત્રણેય રેલ્વે સ્ટેશનો અને મેગાસ્ટાર બચ્ચનના બંગલાની સુરક્ષા વધારી દેવામાં આવી હતી જો કે તપાસમાં કશુ મળ્યુ ન હતું.

પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે મુંબઈ પોેલીસના કંટ્રોલ રૂમમાં ગઈકાલે રાત્રે એક ફોન આવ્યો હતો જેમાં ફોન કરનારે કહ્યુ હતુ કે બોમ્બ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ એટલે કે સીએસએમટી, ભાઈખલા અને દાદર રેલ્વે સ્ટેશન તથા અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત બંગલા પર રાખવામાં આવ્યા છે.

તેઓએ કહ્યુ હતુ કે કોલ મળ્યા બાદ રેલ્વે પોલીસ, રેલ્વે સુરક્ષા દળ, બોમ્બ ડીસ્પોઝેબલ સ્કવોડ, ડોગ સ્કવોડ અને સ્થાનિક પોલીસે પ્રથમ તપાસ કરી હતી અને તલાસી અભિયાન ચલાવ્યુ હતું, પરંતુ આ જગ્યાએથી હજુ સુધી કશું મળ્યુ નથી. હાલ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ ફોન કોલને ગંભીર ગણી પોલીસે તરત જ એ ફોન પર વળતો સંપર્ક કર્યો તો બાદમાં એ વ્યકિતએ હવે મને પરેશાન કરવાનું બંધ કરો એવુ કહી ફોન કાપી નાખ્યો હતો. બાદમાં ફોન સ્વીચ્ડઓફ આવતો હતો.

પોેલીસે રેલ્વે સ્ટેશન અને અમિતાભ બચ્ચનના બંગલાની સુરક્ષા વધારી દીધી છે. હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.

(3:02 pm IST)