Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

રાકેશ ટિકૈતે ફરી કેન્દ્ર સરકારના MSP પર સવાલ ઉઠાવ્યા :MSP પર ખેડૂતો પાસેથી નહીં વેપારીઓ પાસેથી ખરીદી

ખરીદી કૌભાંડમાં વેપારી, અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સામેલ: સીબીઆઈ તપાસની કરી માંગણી

નવી દિલ્હી :  ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે ફરી એક વખતે કેન્દ્ર સરકારના MSP પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે ઉત્તર પ્રદેશમાં ન્યુનત્તમ સમર્થન મૂલ્ય એટલે કે MSP પર ખેડૂતો પાસેથી નહીં વેપારીઓ પાસેથી ખરીદી થાય છે. તેમનું કહેવું છે કે આ ખરીદી કૌભાંડમાં વેપારી, અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સામેલ છે. તેમની માગણી છે કે આ રીતેના થઈ રહેલા કૌભાંડની તપાસ CBI પાસે કરાવવામાં આવે. ગુરુવારે ઉત્તર પ્રદેશના ગેટ પર આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં તેમણે આ આરોપ લગાવ્યા હતા.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે રામપુર જિલ્લા સાથે સંબંધિત કેટલાક ઉદાહરણ પણ આપ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે અહીં ઘઉં ખરીદીના નામ પર મોટું કૌભાંડ થયું છે. જે જમીનો પર માર્ગ અને મકાન બની ગયા છે તેના પર પણ ખેતી દેખાડીને કૌભાંડ કર્યું છે. એ પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે ફિલ્મ એક્ટ્રેસ જયાપ્રદાની સ્કૂલની જમીન પર પણ ખેતી દેખાડીને કૌભાંડ કરવામાં આવ્યો છે. તેમને કહ્યું કે આ જ કારણ છે કે સરકાર MSP પર કાયદો બનાવી રહી નથી.

રાકેશ ટિકૈતે કટાક્ષ કરતા કહ્યું હતું કે જો સરકાર કોઈ પાર્ટીની હોત તો તે ખેડૂતોને જરૂર મળતી, પરંતુ સરકારને કંપનીઓ ચલાવી રહી છે. કૃષિ કાયદા મોડા બને છે પરંતુ વેપારીઓના ગોડાઉન પહેલા બની જાય છે. દેશને બચાવવાનો રસ્તો આંદોલન છે. રાજનૈતિક પાર્ટીઓ દેશ બચાવી શકતી નથી. આંદોલનથી દેશ બચશે. દેશની આઝાદીની લડાઈ ગરીબોએ લડી. ત્રણ કૃષિ કાયદાઓને રદ્દ કરવા અને MSP પર કાયદાની ગેરંટીની માગણીને લઈને સંયુક્ત કિસાન મોરચા તરફથી છેલ્લા 8 મહિનાથી આંદોલન કરવામાં આવી રહ્યું છે.

મોરચાએ આંદોલનનો આગામી પડાવ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ નક્કી કર્યો છે. તે મિશનના રૂપમાં શરૂઆત કરવામાં આવશે. મોરચોની શરૂઆત પાંચ સપ્ટેમ્બરના રોજ મુજફ્ફરનગરમાં રેલી કરીને કરવામાં આવશે. ત્યારબાદ બધા મંડળો પર મહાપંચાયત થશે. ખેડૂત નેતા રાકેશ ટિકૈત અને યોગેન્દ્ર યાદવનો આરોપ છે કે યોગી સરકારનો દાણો દાણો ખરીદવાનો વાયદો માત્ર જુમલો હતો. સરકારી આંકડા જ ખરીદીની હકીકત વ્યક્ત કરી રહ્યા છે. નેતાઓએ એ પણ કહ્યું કે તેઓ વિધાનસભાની ચૂંટણી નહીં લડે માત્ર ખેડૂતોને એકજૂથ કરીને તેમને હકીકત જણાવશે.

(12:50 am IST)