Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

વધશે તણાવ : દક્ષિણ ચીની સમુદ્રમાં ચીનના નૌકાદળની પાંચ દિવસીય લશ્કરી કવાયત શરૂ

ભારતે એક નૌસેના ટાસ્ક ફોર્સ મોકલવાનો નિર્ણય કર્યો તે સાથે જ ચીન પણ સક્રિય !

નવી દિલ્હી :  દક્ષિણ ચીની સમુદ્રમાં ચીનના નૌકાદળે પાંચ દિવસીય લશ્કરી કવાયતનો પ્રારંભ કર્યો હતો. ભારતે દક્ષિણ ચીની સમુદ્રમાં મિત્ર દેશો સાથે સહકાર વધારવાના ભાગરૃપે નૌસેના ટાસ્ક ફોર્સ મોકલવાનો નિર્ણય કર્યો છે.

  મિત્ર-દેશો સાથે સહકાર વધારવા માટે ભારતે એક નૌસેના ટાસ્ક ફોર્સ મોકલવાનો નિર્ણય કર્યો તે સાથે જ ચીન પણ સક્રિય થયું હતું. ચીને દક્ષિણ ચીની સમુદ્રમાં પાંચ દિવસ સુધી લશ્કરી પ્રદર્શન શરૃ કર્યું છે.
  ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ક્વોડ દેશો નેવીગેશન કાયદાનું પાલન કરશે એવી ચીનને અપેક્ષા છે. દક્ષિણ ચીની સમુદ્રમાં શાંતિ જળવાય તે માટે બધા દેશો પ્રયાસો કરશે અને શાંતિ જાળવી રાખશે એવું ચીન ઈચ્છે છે. અમેરિકા પ્રશાંત મહાસાગરમાં બ્રિટન, ઓસ્ટ્રેલિયા, જાપાન  સાથે સંયુક્ત કવાયત કરશે. ભારતે પણ બે મહિના સુધી દક્ષિણ ચીની સમુદ્રમાં ટાસ્ક ફોર્સ તૈનાત રાખવાનો નિર્ણય કર્યો છે. ભારત-અમેરિકા સહિતના સાથી દેશો લશ્કરી કવાયત કરીને ચીન ઉપર દક્ષિણ ચીની સમુદ્રની બાબતે દબાણ લાવવા માગે છે, પરંતુ ચીને પણ સામે પાંચ દિવસની લશ્કરી કવાયતના બહાને શક્તિ પ્રદર્શન શરૃ કર્યું છે.

(11:33 pm IST)