Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

૨૦૨૧નો ટી-૨૦ વર્લ્ડકપ ભારતમાં યોજવામાં આવશે

કોરોનાના કાળમાં રમતની પ્રવૃત્તિઓ ખોરવાઈ છે : બીસીસીઆઈ, ઓસ્ટ્રેલિયન બોર્ડ અને આઈસીસીની બેઠકમાં નિર્ણય : ૨૦૨૨માં ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં થશે

દુબઈ, તા. ૭ : ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૧ની યજમાનીને લઈને રસ્તો સાફ થઈ ગયો છે. આ ટુર્નામેન્ટ ભારતમાં જ રમાશે. જ્યારે તે પછી ૨૦૨૨માં આ ટુર્નામેન્ટનું પછીની સ્પર્ધા ઓસ્ટ્રેલિયામાં યોજાશે. આ અંગેનો નિર્ણય ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ), ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)ના પ્રમુખો અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિસદ (આઈસીસી)ની શુક્રવારે યોજાયેલી બેઠકમાં લેવાયો હતો. આ રીતે ૨૦૨૧નો ટી-૨૦ વર્લ્ડકપ અને ૨૦૨૩ વન ડે વર્લ્ડકપમાં ભારતમાં યોજવાનું નક્કી હતું જ્યારે ૨૦૨૨નો ટી-૨૦ વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયાની જ યજમાનીમાં રમાશે.

બીજી બાજુ આઈસીસીએ મહિલા વન ડે વર્લ્ડકપ ૨૦૨૧ને રદ કરી દીધો છે. હવે આ ટુર્નામેન્ટ ૨૦૨૨માં છ ફેબ્રુઆરીથી સાત માર્ચ દરમિયાન ન્યૂઝિલેન્ડમાં જ રમાશે. ભારતમાં યોજાનારા ટી-૨૦ વર્લ્ડકપ આગામી વર્ષે ઓકટોબર અને નવેમ્બરમાં રમાશે. ટુર્નામેન્ટની ફાઈનલ ૧૪મી નવેમ્બર નક્કી કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૨ પણ ઓકટોબર અને નવેમ્બરમાં જ રમાશે. જ્યારે ફાયનલ ૧૩મી નવેમ્બર થશે.

અત્રે ઉલ્લેખનિય છે કે આ વર્ષે ૧૮ ઓકટોબરથી ઓસ્ટ્રેલિયામાં આઈસીસી વર્લ્ડ ટી-૨૦નું આયોજન થવાનું હતું પરંતુ કોવિડ-૧૯ મહામારીના લીધે તેને સ્થગિત કરી દેવાયું. જેનાથી ઈન્ડિયન પ્રિમિયર લીગના આયોજનને લઈને રસ્તો સાફ થયો જે સંયુક્ત આરબ અમિરાતમાં ૧૯મી સપ્ટેમ્બરથી શરૂ થશે.

(9:38 pm IST)