Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

૧ સપ્ટેમ્બરથી સિનિયર્સ માટે શાળાઓ શરૂ કરવા તૈયારી

કેન્દ્ર સરકાર ૩૧ ઓગસ્ટના રોજ જારી કરશે ગાઇડલાઇન્સ : ધો. ૧૦ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ થશે : જો કે શાળાઓનો સમય સવારના ૮ થી ૧૧ અને બપોરે ૧૨ થી ૩નો રહેશેઃ સરકાર હજુ પ્રી-પ્રાઇમરી અને પ્રાઇમરી સ્કુલ શરૂ કરવાની તરફેણમાં નથી : ધો. ૬ થી ૯ના વર્ગો તબક્કાવાર શરૂ થશે : શાળાઓ શરૂ થશે તો અનેક પ્રકારના નિયમોનું પાલન કરવાનું રહેશે

નવી દિલ્હી તા. ૭ : ૧ સપ્ટેમ્બર અને ૧૪ નવેમ્બર વચ્ચે કેન્દ્ર સરકાર શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ફરી તબક્કાવાર શરૂ કરવા વિચારી રહી હોવાનું જાણવા મળે છે. આરોગ્ય મંત્રી હર્ષવર્ધનના નેતૃત્વમાં તાજેતરમાં કોવિડ-૧૯ મેનેજમેન્ટ અંગે પ્રધાનોના જુથની અને સચિવોની એક બેઠક મળી હતી અને તેમાં શાળાઓ પુનઃ શરૂ કરવા અંગેના આયોજન ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ અંગે અંતિમ નિર્ણય આ મહિનાના અંતમાં જારી કરવામાં આવશે. અત્રે નોંધનિય છે કે, ૩૧ ઓગષ્ટના રોજ કેન્દ્ર સરકાર અંતિમ અનલોક અંગેની ગાઇડલાઇન્સ જારી કરશે. તે પછી વિવિધ રાજ્યો બાકીની પ્રવૃધ્ધિઓ શરૂ કરી શકશે તેવો પણ અંદાજ મુકવામાં આવે છે. જો કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે શાળા શરૂ કરવા અંગેનો અંતિમ નિર્ણય રાજ્ય સરકારો ઉપર છોડશે કે શાળાઓ કયારે શરૂ કરવી અને કેવી રીતે શરૂ કરવી.

કેન્દ્ર સરકાર શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે 'બોર્ડ સ્ટાન્ડર્ડ ઓપરેટીવ પ્રોસીઝર' ટુંક સમયમાં જારી કરશે. અત્રે એ પણ નોંધનિય છે કે, સ્કુલ એજ્યુકેશનના વિભાગ દ્વારા ગયા મહિને એક સર્વે પણ કરવામાં આવ્યો હતો. જો કે સર્વેમાં એવા નિર્દેશો મળ્યા હતા કે વાલીઓ હાલ પોતાના બાળકોને શાળાએ મોકલવાની તરફેણમાં નથી. રાજ્ય સરકારોએ પણ કેન્દ્ર સમક્ષ એવી દલિલ કરી હતી કે આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને વધુ સહન કરવું પડયું છે.

શાળાઓ પુનઃ શરૂ કરવા અંગેના ઘટના ક્રમ અંગે સંકાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, એવા રાજ્યો કે જ્યાં કોવિડ-૧૯ના કેસ ઓછા છે તેઓ પુનઃ શાળાઓ શરૂ કરવા માંગે છે અને તેમાં સિનિયર વિદ્યાર્થીઓને લાવવા માગે છે.

માનવ સંસાધન વિભાગ અને આરોગ્ય મંત્રાલયે જે ગાઇડલાઇન્સ તૈયાર કરી છે તેમાં એવી ભલામણ કરવામાં આવશે કે તબક્કાવાર શાળાઓ શરૂ કરવી. પહેલા ૧૫ દિવસ માટે ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને શાળાએ આવવા જણાવવું. વિવિધ સેકશનના કલાસના વિદ્યાર્થીઓને કોઇ ખાસ દિવસે શાળાએ આવવા જણાવવામાં આવશે. એવી સ્કુલ કે જ્યાં ધો. ૧૦ના ૪ વર્ગ હોય તો વર્ગ 'અ' અને 'ક' ના વિદ્યાર્થીઓને કોઇ ખાસ દિવસે અને બાકીનાને બીજા દિવસે બોલાવવા આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શાળામાં હાજરી આપવાનો સમય પણ ૫ થી ૬ કલાક હોય છે તે ઘટાડીને ૨ થી ૩ કલાક કરવા પણ શાળાઓને જણાવાશે. દરેક શાળાઓને સવારે ૮ થી ૧૧ અને બપોરે ૧૨ થી ૩ આવવાનું જણાવાશે. જેમાં ૧ કલાકનો બ્રેક સેનેટાઇઝર માટે રાખવામાં આવશે. શાળાઓને શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓની ૩૩% ક્ષમતા સાથે કામ કરવા જણાવાશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારમાં જે ચર્ચા ચાલી રહી છે તે અનુસાર સરકાર પ્રી-પ્રાયમરી અથવા પ્રાયમરી શાળાઓના વિદ્યાર્થીઓને બોલાવાની તરફેણમાં નથી. તેઓને માટે ઓનલાઇન કલાસ જ હાલ તુરંત રહેશે. ધો. ૧૦ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ કરાયા બાદ થોડા કલાકો માટે ધો. ૬ થી ૯ના વિદ્યાર્થીઓને બોલાવવાનું જણાવાશે.

ઉત્તર પૂર્વના રાજ્યો શાળાઓ શરૂ કરવા સજ્જ છે એ પણ અત્રે નોંધનીય છે.

(11:07 am IST)