Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

મોદી ૧૬મીએ વિદ્યાર્થીને જરૂરી માર્ગદર્શન આપશેઃ વિડિયો કોન્ફરન્સિંગથી વાતચીત

અમદાવાદ,તા. ૭, પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થઓ માનસિક તાણ અનુભવતા હોય છે ત્યારે આ વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે અને તેમનામાં આત્મવિશ્વાસનું સિંચન થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬મી ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ બપોરે ૧૧થી ૧૨ કલાક દરમિયાન આ વિષય અંગે વિડિયો કોન્ફરન્સ કરનાર છે. વડાપ્રધાન આ વિડિયો કોન્ફરન્સ દ્વારા ધોરણ ૬થી ૧૨ના અને કોલેજના વિદ્યાર્થીઓને વિડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધી માર્ગદર્શન આપી તેમનામાં આત્મવિશ્વાસનું સિંચન કરશે. આ સંદર્ભમાં કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાવડેકરે આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા દેશના રાજ્યોના શિક્ષણમંત્રીઓ સાથે સંવાદ કરીને વડાપ્રધાનના આગામી વિડિયો કોન્ફરન્સ કાર્યક્રમ સંબંધે વિગતો આપી હતી. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ વિડિયો દરમિયાન આ કાર્યક્રમ સંબંધે આનુષાંગિક તૈયારીઓ માટેની સજ્જતા પણ દર્શાવી હતી. ચુડાસમાએ આ જ વિષય પર ગત બે વર્ષ દરમિયાન પરીક્ષાઓની પૂર્વસંધ્યાએ કેટલાક કાર્યક્રમોનું આયોજન કરીને આ દિશામાં કરાયેલા પ્રયાસોની માહિતી જાવડેકરે આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષાઓના સમયે વિદ્યાર્થીઓમાં અનુભવાતી તાણના વિષયે એક્ઝામ વરિયર્સ શીર્ષક હેઠળ ૨૦૮ પાનાનું પુસ્તક લખ્યું છે. જેનું ગત જાન્યુઆરી મહિનામાં વિમોચન થયું હતું. આ પુસ્તકમાં આ વિષયની છણાવટ કરાઈ છે.

(10:03 pm IST)