Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

કોઇને જેલમાં મોકલતા પહેલા જ્જો માનવીય વલણ અપનાવેઃ સુપ્રિમ

આપરાધિક ન્યાયશાસ્ત્રની મહત્વની બાબતમાંથી એક એ છે કે જામીન આપવાનો સામાન્ય નિયમ છે અને વ્યકિતને જેલમાં નાખવો એ અપવાદ છેઃ જામીનની શરતો એટલી કઠોર હોવી ન જોઇએ કે તેનુ પાલન થઇ ન શકેઃ દુર્ભાગ્યથી આ પાયાના સિધ્ધાંતોમાંથી કેટલાકે દ્રષ્ટિ ગુમાવી દીધી છે જેના કારણે વધુને વધુ લોકો લાંબા સમય સુધી જેલમાં રહે છે જે આપરાધિક ન્યાયશાસ્ત્ર અને સમાજ માટે યોગ્ય નથી

નવી દિલ્હી તા.૭ : સુપ્રિમ કોર્ટે જણાવ્યુ છે કે, જામીન નહી મળવાને કારણે મોટી સંખ્યામાં લોકોને લાંબા સમય સુધી જેલમાં પડયુ રહેવુ પડે છે જે આપરાધિક ન્યાયશાસ્ત્ર તથા સમાજ માટે સારૂ નથી. સુપ્રિમ કોર્ટે ન્યાયધીશોને કહ્યુ છે કે ધરપકડના આદેશ સંભળાવતી વખતે કરૂણા અને માનવીય વલણ અપનાવે. 'જમાનત કી જગહ જેલ'ને ન્યાયશાસ્ત્રનો કાયદો બનવાને ગંભીર ગણતા સુપ્રિમ કોર્ટે કહ્યુ છે કે જેલ મોકલવાના આદેશ આપતા પહેલા જ્જોએ માનવીય વલણ અપનાવવુ જોઇએ. ન્યાયમુર્તિ મદન બી. લોકુરની અધ્યક્ષતાવાળી બે સભ્યોની પીઠે કહ્યુ છે કે ન્યાયશાસ્ત્રનો મુળ એ છે કે લોકોને નિર્દોષ માની ચાલવુ જોઇએ. તેથી અદાલતે આરોપીને જેલમાં મોકલતા પહેલા કેટલાક બિંદુઓ ઉપર વિચારવુ જોઇએ. ન્યાયમુર્તિ લોકુર અને દિપક ગુપ્તાની ખંડપીઠે કહ્યુ છે કે જામીનની શરતો એટલી કઠોર હોવી ન જોઇએ કે તેનુ પાલન થઇ ન શકે અને જમાનત ભ્રમ થઇ જાય.

ખંડપીઠે કહ્યુ છે કે, ન્યાયશાસ્ત્રની એક મહત્વની બાબત એ છે કે જામીન આપવાનો નિયમ છે અને જેલ કે સુધારગૃહ મોકલવાનુ અપવાદ છે પરંતુ દુઃખની વાત એ છે કે મુળ બાબતને નજર અંદાજ કરવામાં આવે છે. ખંડપીઠે કહ્યુ છે કે આજ કારણ છે કે લોકોને લાંબા સમય સુધી કેદમાં રહેવુ પડે છે  જે યોગ્ય નથી. ન તો ન્યાયશાસ્ત્ર માટે કે ન તો સમાજ માટે.

સુપ્રિમ કોર્ટે કહ્યુ છે કે બંધારણની કલમ-ર૧ લોકોને સમ્માનજનક રીતે જીવવાનો હક્ક આપે છે એ બાબતને પણ ધ્યાનમાં રાખવી જોઇએ કે જેલમાં કેદીઓની ભીડ છે. જેથી મુશ્કેલી પડી શકે છે.

સુપ્રિમ કોર્ટે આ ટિપ્પણી છેતરપીંડીના કેસમાં આરોપીની જામીન અરજી પર સુનાવણી દરમિયાન જણાવી હતી. ગોરખપુરની નીચલી અદાલત અને અલ્હાબાદ હાઇકોર્ટથી ધરપકડ સામે રક્ષણ ન મળવાને કારણે આરોપીએ સુપ્રિમના દ્વાર ખટખટાવ્યા હતા. પીઠે કહ્યુ છે કે જો જામીન આપવા કે ન આપવા સંપુર્ણ રીતે મામલા પર સુનાવણી કરી રહેલા ન્યાયધીશનો વિશેષાધિકાર છે પરંતુ ન્યાયીક વિશેષાધિકારના ઉપયોગને સુપ્રિમ કોર્ટ અને દેશની બધી હાઇકોર્ટે પોતાના અનેક ફેંસલાઓ થકી સીમીત કરેલ છે. પીઠે કહ્યુ છે કે જામીન અરજી પર ફેંસલો કરતી વેળાએ શું આરોપીની તપાસ દરમિયાન ધરપકડ થઇ છે ? તેનો ભુતકાળ, અપરાધમાં તેની કથિત ભુમિકા, તપાસમાં સામેલ થવાની તેની ઇચ્છા અને ગરીબી કે ગરીબનો દરજ્જો જેવી અનેક બાબતો ઉપર ધ્યાન આપવાની જરૂર છે. સુપ્રિમ કોર્ટે કહ્યુ છે કે સંક્ષિપ્ત કહીએ તો સંદિગ્ધ કે આરોપીને પોલીસ કે જેલમાં મોકલવા માટે અરજી પર વિચાર કરતી વખતે ન્યાયધીશે માનવીય વલણ અપનાવવાની જરૂર છે. (૩-૪)

(10:30 am IST)