Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

UIDAIએ જારી કરી ચેતવણી... આધારનું લેમિનેશન કરાવશો તો નિરાધાર થઇ જશો!

નવી દિલ્હી તા. ૭ : જો તમે તમારા આધાર કાર્ડનું કોઈ દુકાનમાં લેમિનેશન કરાવ્યું છે અથવા પ્લાસ્ટિક સ્માર્ટ કાર્ડ તરીકે તમે ઉપયોગ કરો છો તો સાવધાન રહેજો. આમ કરવાથી તમારા આધાર કાર્ડનો કયુઆર કોડ કામ કરવાનું બંદ કરી દે તેવું બની શકે છે અથવા તમારી વ્યકિતગત માહિતીની ચોરી પણ થઈ શકે છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ પ્રકારના પ્લાસ્ટિક આધાર કાર્ડના ઉપયોગને લઈને ચિંતા વ્યકત કરી છે. યુઆઈડીએઆઈનું કહેવું છે કે આમ કરવાથી તમારી મંજૂરી વગર તમારી માહિતી અન્ય સુધી પહોંચી શકે છે.

 

યુઆઈડીએઆઈએ કહ્યું કે આધારનો કોઈ પણ એક હિસ્સો અથવા મોબાઈલ આધાર સંપર્ણ રીતે વેલિડ છે. આધાર સ્માર્ટ કાર્ડ્સના પ્રિન્ટિંગ માટે રૂ.૫૦-રૂ.૩૦૦નો ખર્ચ થાય છે, જે સંપૂર્ણ રીતે બિન-જરૂરી છે. યુઆઈડીએઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, 'પ્લાસ્ટિક અથવા પીવીસી આધાર કાર્ડ્સ બિનજરૂરી હોય છે. તેમાં કયુઆર કોડ સામાન્ય રીતે કામ કરતું બંધ થઈ જાય છે. આ પ્રકારની બિન-અધિકૃત પ્રિન્ટિંગથી કયુઆર કોડ કામ કરવાનું બંધ કરી દે તેવું બની શકે છે.'

આધાર એજન્સી દ્વારા નિવેદનમાં જણાવ્યા મુજબ, 'આ ઉપરાંત એવું પણ બની શકે કે તમારી મંજૂરી વગર અન્ય ખોટી વ્યકિતના હાથમાં તમારી વ્યકિતગત વિગતો પહોંચી જાય.' યુઆઈડીએઆઈના સીઈઓ અજય ભૂષણ પાંડેએ જણાવ્યું કે પ્લાસ્ટિકનું આધાર સ્માર્ટ કાર્ડ સંપૂર્ણ રીતે બિન-જરૂરી અને વ્યર્થ છે. સામાન્ય કાગળ પર ડાઉનલોડ કરેલું આધાર કાર્ડ અથવા મોબાઈલ આધાર કાર્ડ સંપૂર્ણ રીતે વેલિડ છે.

પાંડેએ જણાવ્યું કે, 'સ્માર્ટ અથવા પ્લાસ્ટિક આધાર કાર્ડનો કોઈ કોન્સેપ્ટ નથી.' તેમણે સલાહ આપતા કહ્યું કે કોઈપણ બિન-અધિકૃત વ્યકિત પાસેથી આધાર નંબર આપવો જોઈએ નહીં. આટલું જ નહીં યુઆઈડીએઆઈએ આધાર કાર્ડ્સની વિગતો મેળવતી અનઅધિકૃત એજન્સીઓને પણ ચેતવણી આપતા કહ્યું કે આધાર કાર્ડની માહિતી પ્રાપ્ત કરવી અથવા તેનું ગેરકાયદે પ્રિન્ટિંગ કરવું સજાપાત્ર ગુનો છે. આવું કરનારને કાયદા હેઠળ સજા પણ થઈ શકે છે.(૨૧.૧૨)

(10:29 am IST)