Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

વિશ્વનું સૌથી તાકતવર ૨૩ માળનું રોકેટ લોન્ચઃ સાથે ગઇ એક સ્પોર્ટ્સ કાર

ફાલ્કન હેવી રોકેટનું વજન લગભગ ૬૩.૮ ટનઃ બે સ્પેસ શટલના વજનની બરાબરઃ રોકેટમાં ૨૭ મર્લિન એન્જિન લાગેલા છે અને તેની લંબાઇ ૨૩૦ ફૂટ

ફલોરિડા તા. ૭ : દુનિયાનું સૌથી તાકતવર રોકેટ મંગળવારના રોજ લોન્ચ કરી દેવાયું. અમેરિકાની કંપની સ્પેસએકસ એ રોકેટ ફાલ્કન હેવી નામના આ રોકેટને ફલોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કર્યું. આપને જણાવી દઇએ કે આ સ્પેસ સેન્ટર પરથી સૌથી પહેલાં 'મૂન મિશન'ની પણ શરૂઆત કરાઇ હતી. આ વખતે ખાસ વાત એ છે કે આ રોકેટની સાથે એક સ્પોર્ટ્સ કાર પણ મોકલી છે. ફાલ્કન હેવી રોકેટનું વજન લગભગ ૬૩.૮ ટન છે, જે લગભગ બે સ્પેસ શટલના વજનની બરાબર છે. આ રોકેટમાં ૨૭ મર્લિન એન્જિન લાગેલા છે અને તેની લંબાઇ ૨૩૦ ફૂટ છે. આ રોકેટને કોઇ ૨૩ માળના બિલ્ડિંગની બરાબર માની શકાય છે.

કેલિફોર્નિયાના હાવથોર્ન હેડકવાર્ટર પરથી લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા કંપનીના કર્મચારીઓએ તેનું સીધું પ્રસારણ જોયું. ત્યારબાદ કર્મચારીઓ ખૂબ જ ઉત્સહમાં જોવા મળ્યા. સેંકડો દર્શકોએ સ્પેસ સેન્ટરથી અંદાજે ૮ કિલોમીટર દૂર કોકોઆ બીચની પાસે કેમ્પગ્રાઉન્ડ તૈયાર કર્યું હતું, જેથી કરીને આ નજારાની મજા ઉઠાવી શકાય.

આની પહેલાં આ રોકેટ લોન્ચના સંબંધમાં સ્પેસએકસના માલિક એલન મસ્ક એ કહ્યું હતું કે આખી દુનિયામાંથી લોકો સૌથી મોટા રોકેટ અને આતશબાજીના પ્રદર્શનને જોવા માટે અહીં પહોંચી રહ્યાં છે, લગભગ પચાસ વર્ષ પહેલાં જે પૈડ પરથી મનુષ્યની ચાંદ પર જવાની શરૂઆત થઇ, તેમાં સ્પેસએકસ એ પોતાના ફાલ્કન ૯ અને ફાલ્કન હેવી રોકેટને અનુકૂળ બદલાવામાં આવ્યા છે. મસ્ક એ આની પહેલાં ટ્વીટ કરીને કહ્યું હતું કે કેપ કેનેડી સ્થિત અપોલો લોન્ચપેડ ૩૯ એ પરથી ૬ ફેબ્રુઆરીના રોજ ફાલ્કન હેવીની પહેલી ઉડાનનું લક્ષ્ય છે.

આ રોકેટ સેટરન ૫ પછી સૌથી વધુ લોડ લઇને જનાર રોકેટ હશે. એવું પહેલી વખત બન્યું છે કે કોઇ પ્રાઇવેટ કંપનીએ કોઇપણ પ્રકારની મદદ વગર આટલું મોટું રોકેટ બનાવી દીધું. આનાથી નાસાને પણ મદદ મળી શકે છે.

દુનિયાના આ સૌથી શકિતશાળી રોકેટને ટેસ્લાના બિલિયોનર એલન મસ્કની કંપની સ્પેસએકસ એ બનાવ્યું છે. આની પહેલાં આ કંપની એ સફળતાપૂર્વક રોકેટ બુસ્ટર્સનો ઉપયોગ કર્યો હતો. ભવિષ્યમાં આ રોકેટ દ્વારા લોકોને મંગળ અને ચાંદ પર મોકલી શકાશે.(૨૧.૮)

 

(10:26 am IST)