Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

આ એકઝિટ પોલ કોણ ,કોના પ્રભાવમાં અને કેમ કરાવાય છે ? : કોંગ્રેસે ગુજરાત ચૂંટણીના એક્ઝિટ પોલને ફગાવ્યા

-- જયરામ રમેશે કહ્યુ, આ એક્ઝિટ પોલના એક્ઝિટ થવાનો સમય છે

નવી દિલ્હી :ગુજરાત, હિમાચલ પ્રદેશ અને દિલ્હી મહાનગરપાલિકામાં યોજાયેલા મતદાન બાદ એક્ઝિટ પોલ સામે આવ્યા છે. ગુજરાતમાં ભાજપની જીતનું અનુમાન છે જ્યારે દિલ્હી મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી અને હિમાચલ પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. કોંગ્રેસે એક્ઝિટ પોલ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યુ છે કે આ એવો સમય છે જ્યારે એક્ઝિટ પોલને એક્ઝિટ થઇ જવુ જોઇએ. જયરામ રમેશે ભારત જોડો યાત્રા દરમિયાન કન્હૈયા કુમાર સાથે પત્રકાર પરિષદ કરી હતી અને આ દરમિયાન તેમણે એક્ઝિટ પોલ પર પ્રતિક્રિયા આપી હતી.

જયરામ રમેશે કહ્યુ, આ એક્ઝિટ પોલના એક્ઝિટ થવાનો સમય છે. એક્ઝિટ પોલ પર આધારિત સવાલ યોગ્ય છે. અમે જાણીયે છીએ કે આ પોલ કોણ કરાવે છે, કોના પ્રભાવમાં અને કેમ કરાવવામાં આવે છે. હું આ એક્ઝિટ પોલ પર વિશ્વાસ કરતો નથી.

તમામ એક્ઝિટ પોલ્સે ગુજરાતમાં ભાજપની સતત સાતમી વખત સરકાર બનાવવાનું અનુમાન વ્યક્ત કર્યુ છે. પાર્ટીને 117-151 બેઠક મળી શકે છે. બીજી તરફ કોંગ્રેસ માટે 16-51 બેઠકનું અનુમાન છે. આમ આદમી પાર્ટી પણ 2થી 13 બેઠક સુધી જીતવામાં સફળ રહી શકે છે.

કન્હૈયા કુમારે પણ એક્ઝિટ પોલને ફગાવતા કહ્યુ, મે એવો દાવો નથી કર્યો કે ભાજપ ગુજરાતમાં બહુમતથી નહી જીતે અને ના તો મે કહ્યુ છે કે કોંગ્રેસ સત્તામાં વાપસી કરશે. અમે જોયુ છે કે અમારી લોકતાંત્રિક સંસ્થાઓને અક્ષમ કરવામાં આવી રહી છે અને ગુજરાતના લોકોની ચિંતાઓને નજરઅંદાજ કરવામાં આવી રહી છે.

(8:09 pm IST)