Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદ: શરદ પવારે સીએમ બોમ્મઈને આપ્યું 48 કલાકનું અલ્ટીમેટમ

 મરાઠી લોકોને હેરાન કરવાનું ચાલુ રહેશે તો સ્થિતિ વણસી જશે: પવારે કહ્યું કર્ણાટકના મુખ્યપ્રધાને 23 નવેમ્બરે મહારાષ્ટ્રના જત તાલુકાના 40 ગામ પર કર્ણાટકનો અધિકાર ગણાવ્યો, 24 નવેમ્બરે અક્કલકોટ પર પણ દાવો કર્યો

મુંબઈ : મહારાષ્ટ્ર-કર્ણાટકની સીમા વિવાદને લઈને ઘણા સમયથી વિવાદ ચાલે છે ત્યારે ફરી એક  વાર મહારાષ્ટ્ર-કર્ણાટકની સીમા વિવાદનો મુદ્દો છેડાયો છે. કર્ણાટકના બેલગામની પાસે હિરબાગેવાડી ટોલનાકા પાસે કન્નડ રક્ષણ વેદિકા (કર્વે) સંગઠને મહારાષ્ટ્રના વાહનોમાં તોડફોડ કરી અને નારા લગાવ્યા, ત્યારે પૂણેના વાહનોને બેંગ્લુરૂ જવાથી રોકવામાં આવી રહ્યા છે. NCP પ્રમુખ શરદ પવારે કર્ણાટક સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે

શરદ પવારે મુખ્યપ્રધાન બસવરાજ બોમ્મઈને કહ્યું છે કે જો આ અટકશે નહીં તો તે જાતે બેલગામ આવશે. શરદ પવારે કહ્યું છે કે જો કર્ણાટક સરકાર તરફથી મહારાષ્ટ્ર અને મરાઠી જનતા પર હુમલા અટકશે નહીં અને તેમને હેરાન કરવાનું ચાલુ રાખવામાં આવશે તો સ્થિતિ વણસી જશે. જો મહારાષ્ટ્રની જનતાનો ધૈર્ય તુટ્યો તો જવાબદારી કેન્દ્ર અને કર્ણાટક સરકારની રહેશે.

શરદ પવારે કહ્યું કે કર્ણાટકના મુખ્યપ્રધાને 23 નવેમ્બરે મહારાષ્ટ્રના જત તાલુકાના 40 ગામ પર કર્ણાટકનો અધિકાર ગણાવ્યો, 24 નવેમ્બરે અક્કલકોટ પર પણ દાવો કર્યો, ત્યારબાદ તેમને નિવેદન આપ્યું કે ફડણવીસનું સપનું પુરૂ નહીં થાય. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન સતત આક્રમક નિવેદન આપી રહ્યા છે. તેનાથી સીમાવર્તી ભાગોની સમસ્યા વધુ જટિલ બની રહી છે.

શરદ પવારે કહ્યું કે આ ઘટના બાદ દેવેન્દ્ર ફડણવીસ દ્વારા કર્ણાટકના મુખ્યપ્રધાન બોમ્મઈને ફોન પર ચર્ચા કરવાની વાત સામે આવી છે પણ તેની કોઈ અસર જોવા મળી રહી નથી. સમય જતા જો સ્થિતિ સામાન્ય ના થઈ તો કંટ્રોલ બહાર થઈ જશે. હાલમાં પણ મહારાષ્ટ્રની જનતા સંયમ વર્તી રહી છે પણ કર્ણાટકના મુખ્યપ્રધાન દ્વારા હિંસક નિવેદન સતત આપવામાં આવી રહ્યા છે. આ દેશની એકતા માટે એક મોટુ જોખમ છે. કેન્દ્ર સરકાર મુકદર્શક બનીને બધુ જોઈ રહી છે, જે યોગ્ય નથી

(7:53 pm IST)