Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

દિલ્હીની AIIMS બાદ હેકર્સના નિશાના પર ICMR : સર્વર પર મોટો સાયબર અટેક

સાયબર અપરાધીઓએ ICMR સર્વરને હેક કરવાનો એક કે બે વાર નહીં, પરંતુ 6 હજારથી વધુ વખત પ્રયાસ કર્યો

નવી દિલ્હીની AIIMS હોસ્પિટલના સર્વરને નિશાન બનાવ્યા બાદ હવે સાયબર ગુનેગારોએ ICMR એટલે કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સર્વરને હેક કરવાનો પ્રયાસ કર્યો છે. સાયબર અપરાધીઓએ 30 નવેમ્બરે આ પ્રયાસ કર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે ગુનેગારોએ ICMR સર્વરને હેક કરવાનો એક કે બે વાર નહીં, પરંતુ 6 હજારથી વધુ વખત પ્રયાસ કર્યો હતો. જોકે, હેકર્સ તેમના પ્લાનમાં સફળ થઈ શક્યા ન હતા.

 ICMRના સર્વર પર સતત હુમલા થવા છતાં હેકર્સ તેને હેક કરી શક્યા નથી. જો સૂત્રોનું માનીએ તો હોંગકોંગમાં બ્લેકલિસ્ટેડ IPA એડ્રેસ 103.152.220.133 દ્વારા ICMR સર્વરને હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલમાં નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) હેકિંગના આ મામલે વિગતવાર રિપોર્ટ તૈયાર કરી રહ્યું છે.

23 નવેમ્બરે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં 9 કલાક સુધી સર્વર ડાઉન રહેતા ગભરાટ ફેલાયો હતો. AIIMS અધિકારીઓએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે સાયબર અપરાધીઓએ AIIMSના સર્વર પર હુમલો કર્યો હતો, જેના કારણે સર્વર સંપૂર્ણપણે ડાઉન થઈ ગયું હતું.

આ પછી 2 ડિસેમ્બરે હોસ્પિટલના પાંચ મુખ્ય સર્વર પર ફરીથી સાયબર હુમલો થયો. આ સાયબર હુમલા ચીનના હેકર્સ દ્વારા કરવામાં આવ્યા હોવાની આશંકા છે. હાલ દિલ્હી AIIMSનો મુદ્દો ચાલી રહ્યો હતો ત્યાં 4 ડિસેમ્બરે દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાંથી પણ સાયબર એટેકના સમાચાર આવ્યા. જો કે તે દિલ્હી AIIMS જેવો ગંભીર હુમલો નહોતો.

(7:37 pm IST)