Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

G-20 સર્વપક્ષીય બેઠકઃ ચૂંટણીનાં દિવસો પુરા થતાં વડાપ્રધાન ફરી ઓરીજીનલ મુડમાં: વિપક્ષના નેતાઓ સાથે હળવી પળો માણતા જોવા મળ્‍યાઃ જોવા મળ્‍યુ હળવુંફુલ વાતાવરણ

ભારતે હાલમાં જ વિશ્વની ૨૦ મોટી અર્થવ્‍યવસ્‍થાઓના સંગઠન G-20નું પ્રમુખપદ સંભાળ્‍યું છે. G-20 સમિટ સપ્‍ટેમ્‍બર ૨૦૨૩માં ભારતમાં યોજાશે. તેની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે સોમવારે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના નેતળત્‍વમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ દરમિયાન પીએમ એક પછી એક રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓને પણ મળ્‍યા. જેમાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેથી લઈને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલનો સમાવેશ થાય છે. અત્‍યાર સુધી જે કાર્યક્રમની તસવીરો સામે આવી છે તેમાં આ નેતાઓ પીએમ મોદી સાથે હળવી પળો શેર કરતા જોવા મળી રહ્યા છે. પીએમ મોદીએ કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે પણ વાત કરી હતી. જી-૨૦ માટે બોલાવવામાં આવેલી બેઠકમાં પીએમ નરેન્‍દ્રભાઇ મોદી સાથે ડાબેરી પક્ષના નેતા સીતારામ યેચુરી પણ જોવા મળ્‍યા હતા. વાતચીત દરમિયાન બંને હસતા જોવા મળ્‍યા હતા. ગુજરાત ચૂંટણીમાં ભાજપને પડકાર ફેંકનાર આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે હાથ જોડીને પીએમ મોદીનું અભિવાદન કર્યું હતું. તેમની સાથે પશ્‍ચિમ બંગાળના મુખ્‍યમંત્રી મમતા બેનર્જી પણ હાજર હતા. જી-૨૦ મીટિંગ પહેલા, બંગાળના સીએમ મમતા બેનર્જી અને આંધ્રપ્રદેશના મુખ્‍યમંત્રી જગન મોહન રેડ્ડી પણ પીએમ મોદી સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરતા જોવા મળ્‍યા હતા. વડાપ્રધાન મોદી જી-૨૦ મીટિંગની સાથે તમિલનાડુના મુખ્‍યમંત્રી એમકે સ્‍ટાલિન સાથે પણ વાતચીત કરતા જોવા મળ્‍યા હતા. આ દરમિયાન કોંગ્રેસ નેતા ઉદિત રાજ પણ પીએમ સાથે ચર્ચા કરતા જોવા મળ્‍યા હતા. મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી એકનાથ શિંદેએ બેઠક દરમિયાન પીએમ મોદી સાથે ચર્ચા કરી હતી. મહારાષ્‍ટ્રમાં શિવસેનાના શિંદે જૂથનું ભાજપ સાથે ગઠબંધન છે. વડાપ્રધાન મોદીએ સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેનાર  JDS નેતા એચડી દેવગૌડાની તબિયત પૂછવા માટે મુલાકાત લીધી હતી. તેલુગુ દેશમ પાર્ટીના નેતા ચંદ્રબાબુ નાયડુએ બેઠક દરમિયાન પીએમ મોદીનું હાથ જોડીને અભિવાદન કર્યું હતું. વડાપ્રધાને તેમની સાથે લાંબા સમય સુધી ચર્ચા કરી.

(10:47 am IST)