Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

કર્ણાંટકમાં બે બસ ટકરાતાં નવનાં મોત, ૩૮ને ઈજા

કેરળના પલક્કડ જિલ્લામાં વડક્કનચેરી ખાતે અકસ્માતઃપ્રવાસી બસ કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટની બસ સાથે ટકરાઈ

તિરુવંતપુરમ, તા.૬ ઃકેરળમાં આજે સવારમાં જ બે બસો વચ્ચે ખૂબ જ ગંભીર અકસ્માત સર્જાયો હતો. કેરળના પલક્કડ જિલ્લામાં વડક્કનચેરી ખાતે એક પ્રવાસી બસ કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (કેએસઆરટીસી)ની બસ સાથે અથડાઈ હતી જેમાં ૯ લોકોના મોત થઈ ગયા છે અને ૩૮ ઘાયલ થયા છે. રાજ્ય મંત્રી એમબી રાજેશે આ માહિતી આપી છે.

આ અગાઉ ગુજરાતના વડોદરા શહેરમાં મંગળવારે નેશનલ હાઈવે પર એક કંટેનર ટ્રકે થ્રી વ્હીલરને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં ૫ લોકોના મોત થઈ ગયા હતા અને ૪ લોકો ઘાયલ થયા હતા.

થ્રી-વ્હીલરમાં લગભગ ૧૦ લોકો સવાર હોવાનું જણાવાયું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, કન્ટેનર ટ્રકે કાર સાથે અથડાયા બાદ તેનું સંતુલન ગુમાવ્યું હતું અને ડિવાઈડર તોડીને રોડની બીજી બાજુ જઈને એક 'ચક્ર' (થ્રી-વ્હીલર) સાથે અથડાઈ હતી.

મંગળવારે મહારાષ્ટ્રના લાતુરમાં રાજ્ય પરિવહનની બસ સાથે કાર અથડાતાં બે મહિલાઓ સહિત ૫ લોકોનાં મોત થઈ ગયા હતાં. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અકસ્માત સવારે લગભગ ૮ઃ૩૦ વાગ્યે હૈબતપુર ગામમાં ઉદગીર-નાલેગાંવ રોડ પર થયો હતો. કારમાં બે મહિલાઓ સહિત ૬ લોકો સવાર હતા. તેઓ તુલજાપુરમાં મંદિરના દર્શન કર્યા બાદ નાંદેડ પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમની કાર મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ સાથે અથડાઈ હતી. તેમણે જણાવ્યું કે, ટક્કર એટલી ભયંકર હતી કે તેની કાર પલટી ગઈ હતી.

 

 

(7:25 pm IST)