Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

અદાણીની પાછળ કઈ શક્તિ કામ કરે છે ? ચર્ચા કેમ કરતા નથી ? :સરકાર સદનમાં આપે જવાબ :રાહુલ ગાંધીના આકરા પ્રહાર

રાહુલ ગાંધીએ કહ્યુ કે, છેલ્લા બે વર્ષથી આ મુદ્દો સતત ઉઠાવી રહ્યો છું જેનાથી જનતાને સત્ય ખબર પડે: લાખો-કરોડોના ભ્રષ્ટાચાર થઇ રહ્યા છે અને કઇ રીતે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એક માણસે હાઇજેક કરી લીધુ છે,અમે અદાણીના મુદ્દા પર ચર્ચા ઇચ્છીએ છીએ.

નવી દિલ્હી :  સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યુ છે અને નાણા મંત્રી તરફથી બજેટ રજૂ કરવામાં આવ્યા પછી સંસદના બન્ને સદન ચાલી શક્યા નથી. લોકસભા અને રાજ્યસભામાં જેવી જ કાર્યવાહી શરૂ થાય છે વિપક્ષ નારા લગાવીને વેલમાં આવી જાય છે. વિપક્ષ વેલમાં આવીને સરકાર અને અદાણી ગ્રુપ સાથે જોડાયેલા મુદ્દાને લઇને નારેબાજી કરવા લાગે છે જેને કારણે સદનની કાર્યવાહી બજેટ સત્રના ત્રીજા, ચોથા અને પાંચમા દિવસ એટલે કે સતત ત્રણ દિવસથી ચાલી શકી નથી

સંસદમાં વિપક્ષ અદાણી ગ્રુપ સાથે જોડાયેલી ઘટનાની તપાસ સંયુક્ત સંસદીય સમિતી (JPC) પાસે કરાવવાની માંગને લઇને સતત હંગામો કરી રહ્યુ છે. આ વચ્ચે સંસદમાં ગતિરોધને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે સરકાર આ વાતને લઇને ડરેલી છે કે ક્યાક સંસદમાં અદાણીજી પર ચર્ચા ના થઇ જાય.

રાહુલ ગાંધીએ કહ્યુ કે, છેલ્લા બે વર્ષથી આ મુદ્દો સતત ઉઠાવી રહ્યો છું જેનાથી જનતાને સત્ય ખબર પડે. રાહુલ ગાંધીએ કહ્યુ કે સરકાર વિશે ઘણા સમયથી બોલી રહ્યો છું કે ‘હમ દો, હમારે દો’ની સરકાર છે. સમાચાર એજન્સી અનુસાર તેમણે કહ્યુ કે સરકારે તેની પર ચર્ચા કરવી જોઇએ. તમે લોકો કારણ જાણો જ છો કે તેની પર ચર્ચા કેમ નથી થઇ શકતી.

 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ ઘટનાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યુ કે મોદીજી પુરો પ્રયાસ કરશે કે અદાણીજી પર ચર્ચા ના થાય. રાહુલ ગાંધીએ કહ્યુ કે લાખો-કરોડોના ભ્રષ્ટાચાર થઇ રહ્યા છે અને કઇ રીતે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એક માણસે હાઇજેક કરી લીધુ છે, તેમણે કહ્યુ કે અમે અદાણીના મુદ્દા પર ચર્ચા ઇચ્છીએ છીએ.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એમ પણ કહ્યુ કે અદાણીની પાછળ કઇ શક્તિ છે, તેની ખબર પડે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે પણ અદાણીના મુદ્દા પર ચર્ચાની માંગ કરી છે. દિગ્વિજયસિંહે કહ્યુ કે, અમારી માંગ છે કે નિયમ 267 હેઠળ આ મુદ્દા પર ચર્ચા થાય. દિગ્વિજયે સાથે એમ પણ સ્પષ્ટ કર્યુ કે અમે પોતાના પગલા ત્યાર સુધી પરત નહી ખેચીયે જ્યાર સુધી વડાપ્રધાન સંસદમાં ચર્ચા માટે સહમત ના થાય. દિગ્વિજય સિંહે કહ્યુ કે અમને અદાણી મુદ્દા પર પીએમ મોદીનું નિવેદન જોઇએ.

 

(8:22 pm IST)