Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

CJI ડી વાય ચંદ્રચુડે ૫ નવા જજને શપથ લેવડાવ્‍યા

સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્‍યા થઇ ૩૨ : ૨ પદ ખાલી

નવી દિલ્‍હી તા. ૬ : સુપ્રીમ કોર્ટના સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે જસ્‍ટિસ પંકજ મિત્તલ, જસ્‍ટિસ સંજય કરોલ, જસ્‍ટિસ સંજય કુમાર, જસ્‍ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્‍ટિસ મનોજ મિશ્રાને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેવડાવ્‍યા હતા. ભારતના મુખ્‍ય ન્‍યાયાધીશ ડીવાય ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટના તમામ ન્‍યાયાધીશોની હાજરીમાં નવા ન્‍યાયાધીશોને શપથ લેવડાવ્‍યા હતા. હાલમાં સુપ્રીમ કોર્ટમાં ૩૪ જજોની જગ્‍યાઓ મંજૂર છે. સુપ્રીમ કોર્ટમાં પહેલાથી જ ૨૭ જજોની નિમણૂક કરવામાં આવી છે. આ ૫ નવા જજોની નિમણૂક સાથે સુપ્રીમ કોર્ટના જજોની સંખ્‍યા વધીને ૩૨ થઈ જશે.

૧૩ ડિસેમ્‍બર, ૨૦૨૨ના રોજ, સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી માટે તેમના નામની ભલામણ કરી હતી. ૪ ફેબ્રુઆરીએ કાયદા પ્રધાન કિરેન રિજિજુએ જસ્‍ટિસ પંકજ મિત્તલ, જસ્‍ટિસ સંજય કરોલ, જસ્‍ટિસ સંજય કુમાર, જસ્‍ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લા અને જસ્‍ટિસ મનોજ મિશ્રાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટ અને ૨૫ હાઈકોર્ટમાં ન્‍યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયાને લઈને સરકાર અને ન્‍યાયતંત્ર વચ્‍ચે ચાલી રહેલા ઝઘડા વચ્‍ચે આ નિર્ણય આવ્‍યો છે. સુપ્રીમ કોર્ટમાં ન્‍યાયાધીશોની નિમણૂકની કોલેજિયમ સિસ્‍ટમ પર સરકારે ખુલ્લેઆમ પોતાનો મતભેદ વ્‍યક્‍ત કર્યો છે.

(4:07 pm IST)