Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

વંદે ભારત ટ્રેનમાં પીરસાતા હલકી ગુણવતાના ખોરાકની મુસાફરે ખોલી પોલઃ વીડિયો કર્યો વાઈરલ

વંદેભારતમા મુસાફરે સમોસાનો ઓર્ડર કર્યો હતો અને ૧૨૦ ચૂકવ્‍યા હતા

હૈદ્રાબાદ,તા. ૬ : વિશાખાપટ્ટનમથી હૈદરાબાદ જતી વંદેભારત ટ્રેનમાં હલકી ગુણવત્તાનો ખાદ્યપદાર્થ પીરસાતા રેલ્‍વે કેટરિંગ અને ટૂરીઝમની સર્વિસ અંગે એક મુસાફરે વીડિયો બનાવીને વાઈરલ કર્યો હતો. વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરે સમોસા ઓર્ડર કર્યા હતા. જયારે મુસાફરને આ સમોસા પીરસાયા ત્‍યારે તેમાં ખૂબ તેલ હતુ, જેથી મુસાફરે આ અંગેનો એક વીડિયો બનાવ્‍યો હતો. મુસાફરે સમોસાને હાથમાં દબાવીને તેમાંથી તેલ કાઢ્‍યુ હતું અને સમોસામાં ભરવામાં આવેલા બટેકા પણ કાળા પડી ગયા હતા. મુસાફરે ટ્‍વિટર પર આ વીડિયો વાઈરલ કર્યો હતો અને IRCTCને ટેગ પણ કર્યું હતું.

પેસેન્‍જરે આ વીડિયોમાં જણાવ્‍યું હતુ કે, તેણે આ સમોસા માટે ૧૨૦ રૂપિયા ચૂક્‍વ્‍યા છે. તેમ છતા હલકી ગુણવત્તા પીરસવામાં આવી છે. આ અંગે IRCTCએ જવાબ આપ્‍યો હતો કે, આ અંગે અમે જવાબદાર અધિકારીને જાણકારી આપી દીધી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે સાઉથ સેન્‍ટ્રલ રેલ્‍વેના ચીફ PRO રાકેશે જણાવ્‍યુ હતુ કે, મુસાફરને જે એજેન્‍સીએ હલકી ગુણવત્તાનો ખાદ્યપદાર્થ પીરસ્‍યો હતો તેની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.એજન્‍સીને દંડ પણ ફટકારવામાં આવ્‍યો છે.

વંદેભારત એક્‍સપ્રેસ વારંવાર ચર્ચામાં આવી રહી છે. અગાઉ દિલ્‍હીથી વારાણસી જઈ રહેલી ટ્રેનના પૈડા અચાનક જામ થઈ ગયા હતા. જેના કારણે મુસાફરોને ખૂબ તકલીફ પડી હતી. ઉત્તર મધ્‍ય રેલ્‍વેના દનકૌર અને વૈર સ્‍ટેશન વચ્‍ચે વંદે ભારત ટ્રેનના C8 કોચની મોટરમાં બેરિંગની ખામી સર્જાઈ હતી. બેરિંગમાં ખામી સર્જાતા મુસાફરોને ખુર્જા સ્‍ટેશન પર ઉતારવામાં આવ્‍યા હતા અને ત્‍યાંથી તેમને શતાબ્‍દી ટ્રેન દ્વારા આગળ મોકલવામાં આવ્‍યા હતા. ટ્રેનમાં ટેકનિકલ ખામી હોવાની માહિતી મળતાં એડીઆરએમ દિલ્‍હીએ ટીમ સાથે ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું. આ પછી એનસીઆર ટીમની મદદથી ખામીને દૂર કરવામાં આવી હતી.

(10:32 am IST)