Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

કર્મચારીઓ અને પેન્શનરોના મળશે હોળી પૂર્વે ભેટ :કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરી શકે

સરકારના આ નિર્ણયનો લાભ લગભગ એક કરોડ કેન્દ્રીય કર્મચારીઓને મળશે: હાલમાં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 38 ટકા છે, જેને વધારીને 42 ટકા કરી શકાય

નવી દિલ્હી : : કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરી શકે છે. સરકારના આ નિર્ણયનો લાભ લગભગ એક કરોડ કેન્દ્રીય કર્મચારીઓને મળશે. જણાવી દઈએ કે હાલમાં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 38 ટકા છે, જેને ચાર ટકાથી વધારીને 42 ટકા કરી શકાય છે. આ વધારા માટે એક ફોર્મ્યુલા પર સહમતિ બની છે. જણાવી દઈએ કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની ગણતરી લેબર બ્યુરો દ્વારા દર મહિને કરવામાં આવે છે, જે શ્રમ મંત્રાલયનો એક ભાગ છે.

કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાની ગણતરી ઔદ્યોગિક કામદારો માટેના ગ્રાહક ભાવ સૂચકાંક (CPI-IW)ના આધારે કરવામાં આવે છે. ડિસેમ્બર 2022 માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 31 જાન્યુઆરી 2023ના રોજ બહાર પાડવામાં આવ્યો છે. આ ઇન્ડેક્સ મુજબ મોંઘવારી ભથ્થામાં વધારો 4.23 ટકા થાય છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થઈ શકે છે. જણાવી દઈએ કે આ પ્રક્રિયા અંતર્ગત નાણા મંત્રાલયનો ખર્ચ વિભાગ DAમાં વધારાનો પ્રસ્તાવ તૈયાર કરશે, જેમાં આવક પર તેની અસર વિશે પણ જણાવવામાં આવશે. બાદમાં આ પ્રસ્તાવ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મૂકવામાં આવશે, જ્યાંથી ડીએમાં 4 ટકાનો વધારો તેની મંજૂરી બાદ અમલમાં આવશે. આ વધારો 1 જાન્યુઆરી, 2023થી લાગુ થઈ શકે છે.

આ પહેલા 28 સપ્ટેમ્બર 2022ના રોજ કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો. મોંઘવારી ભથ્થાની વર્ષમાં બે વાર સમીક્ષા કરવામાં આવે છે. આ સમીક્ષા જાન્યુઆરી અને જુલાઈમાં થાય છે

(9:31 pm IST)