Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ઓપરેશન ઓલઆઉટથી આતંકી બાખડયાઃ હિઝબુલના વડા સલાઉદ્દીનને હટાવાશે

હાફિઝ સઇદનો પાક.ને પડકારઃ હિંમત હોય તો મારી ધરપકડ કરી જુઓ

શ્રીનગર તા. ૬ : કાશ્મીર ખીણમાં ભારતીય સેનાના આતંકીઓના સફાયા માટે હાથ ધરાયેલા ઓપરેશન ઓલઆઉટથી આતંકીઓની કમર તૂટી ગઈ છે. ઓપરેશન ઓલઆઉટથી ગભરાયેલા આતંકીઓ હવે અંદરોઅંદર લડવા લાગ્યા છે. ઈન્ટેલિજન્સ રિપોર્ટ દ્વારા એક સનસનીખેજ ઘટસ્ફોટ થયો છે કે હાફિઝ સઈદ અને મૌલાના મસૂદ અઝહર હવે સૈયદ સલાઉદ્દીનને હિઝબુલ મુજાહિદ્દીનના વડાપદેથી હટાવવાની પેરવીમાં છે.

મલ્ટી એજન્સી સેન્ટર ઈન્ટેલિજન્સ વિંગના અહેવાલ દ્વારા એવી ચોંકાવનારી માહિતી મળી છે કે લશ્કર-એ-તોઈબાના વડા મૌલાના મસૂદ અઝહર અને જૈશ-એ-મહંમદના વડા હાફિઝ સઈદે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાઉદ્દીનને હટાવવા માટે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈને ભલામણ કરી છે.

ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર આઈએસઆઈ હવે હિઝબુલ મુજાહિદ્દીનના ટોચના કમાન્ડર અમિર ખાન અને ઈમ્તિયાઝ ખાનને હિઝબુલના વડા બનાવવા માગે છે. બીજી તરફ એવી પણ માહિતી મળી છે કે હાફિઝ સઈદ અને મસૂદ અજહરે આઈએસઆઈના કહેવા પર સૈયદ સલાઉદ્દીનને કાશ્મીરમાં આતંક ભડકાવવા માટે યુનાઈટેડ જેહાદ્દ કાઉન્સિલનો (યુજેસી)નો વડો બનાવી રાખ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે યુજેસીમાં લશ્કર-એ-તોઈબા, હિઝબુલ મુજાહિદ્દીન અને જૈશ-એ-મહંમદ જેવા ખુંખાર આતંકી સંગઠનો સામેલ છે, જેની જવાબદારી સૈયદ સલાઉદ્દીન પાસે હતી, પરંતુ આતંકનો આ આકા હવે નિવૃત્ત્। થનાર છે. તાજેતરમાં ભારતીય સેનાએ હાથ ધરેલા ઓપરેશન ઓલઆઉટમાં અસંખ્ય ખુંખાર આતંકીઓનો સફાયો ખાતમો થઈ જતાં હવે આતંકીઓ અંદરો અંદર લડી રહ્યા છે.

પ્રતિબંધિત આતંકી સંગઠન જમાત-ઉદ-દાવા (જેયુડી)ના વડા અને મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદે પાકિસ્તાન સરકારને પડકાર ફેંકતાં જણાવ્યું હતું કે જો સરકારમાં હિંમત હોય તો મારી ધરપકડ કરી બતાવે. સાથે-સાથે હાફિઝ સઈદે દોહરાવ્યું હતું કે હું કાશ્મીરી લોકોના અધિકારની લડત સતત લડતો રહીશ અને પાકિસ્તાનની સરકારમાં હિંમત હોય તો મારી ધરપકડ કરી જુએ.હાફિઝ સઈદે એક રેલીને સંબોધતાં જણાવ્યું હતું કે જો પાકિસ્તાનની સરકાર મારી ધરપકડ કરવા ઈચ્છતી હોય તો તે આવે અને મારી ધરપકડ કરે, પરંતુ ૨૦૧૮માં હું કાશ્મીરીઓ માટે અવાજ ઉઠાવવાનું બંધ નહીં કરું. હાફિઝ સઈદે એવી ચેતવણી આપી છે કે જો સરકાર મારા પર દબાણ લાવવાનો પ્રયાસ કરશે તો અમે પહેલાં કરતાં વધુ મજબૂત બનીને બહાર આવીશું. આ પ્રસંગે હાફિઝ સઈદે પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પણ સખત શબ્દોમાં ટીકા કરી હતી.

(4:02 pm IST)