Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

'પદ્માવત' પછી હવે કંગનાની 'મણિકર્ણિકા' પર શરૂ થયો વિવાદ

સર્વ બ્રાહ્મણ મહાસભા દ્વારા વિરોધ

જયપુર તા. ૬ : રાજસ્થાનમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતનો ભારે વિરોધ થઈ રહ્યો છે. આટલું જ નહીં, આ વિરોધ રાજસ્થાનથી વધીને ભારતભરમાં વધ્યો અને અમુક રાજયોમાં આ ફિલ્મ રીલિઝ પણ નથી થઈ શકી. પદ્માવત પછી હવે વધુ એક ફિલ્મે વિરોધનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.

કંગની રનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા : ધ કવીન ઓફ ઝાંસી' રાજસ્થાનમાં વિરોધના નિશાના પર છે. રાજસ્થાનમાં આ ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે અને સર્વ બ્રાહ્મણ મહાસભા તેનો વિરોધ કરી રહી છે.

મહાસભાના રાજય અધ્યક્ષ સુરેશ મિશ્રાએ સોમવારે રાજસ્થાન સરકારને શૂટિંગ તાત્કાલિક રોકીને સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે કે ફિલ્મમાં ઈતિહાસ સાથે છેડછાડ ન કરવામાં આવે. તેમણે કહ્યું કે, શૂટિંગ ત્યારે જ થવા દેવામાં આવશે જયારે ફિલ્મમેકર્સ આશ્વાસન આપશે કે કોઈ પણ આપત્તિજનક સીન નહીં હોય.

એક પ્રેસ કોન્ફરન્સમાં મહાસભાના અધ્યક્ષે કહ્યું કે, જો ત્રણ દિવસમાં સરકાર તેમની વાત નહીં સાંભળે તો તે પોતાનો વિરોધ ઉગ્ર કરશે. તે રાજસ્થાનના રાજયપાલ કલ્યાણ સિંહ અને ગૃહમંત્રી ગુલાબ ચંદ કટારિયાને પણ આ બાબતે હસ્તક્ષેપ કરવાનું કહેશે.

મિશ્રાએ કહ્યું કે, અમારા સૂત્રોએ જણાવ્યું કે ફિલ્મમેકર રાણી લક્ષ્મીબાઈ અને એક અંગ્રેજ વચ્ચે લવ સોન્ગ શૂટ કરી રહ્યા છે. અમને શંકા છે કે ફિલ્મ જયશ્રી મિશ્રાના વિવાદાસ્પદ પુસ્તક 'રાની' પર આધારિત છે. ૯ જાન્યુઆરીના રોજ અમે ડિરેકટર કમલ જૈનને લેટર લખીને લેખકો વિષેની માહિતી શેર કરવાની માંગ કરી હતી. અમે તે ઈતિહાસકારો વિષે પણ જાણવા માંગીએ છીએ જેનો સંપર્ક ફિલ્મમેકર્સે કર્યો છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનના ઝુવઝુનુમાં થઈ રહ્યું છે. આ પહેલા ફિલ્મમેકર્સે અમુક સીન જયપુરના આમેરના કિલ્લા અને જોધપુરના મેહરાનગઢમાં શૂટ કર્યા હતા.

(4:06 pm IST)