Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

૧૯૯૮થી કરવામાં આવી રજુઆતો પુર્ણ ન થતા મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકાના ૩ ગામમાં મતદાનનો બહિષ્‍કાર

રૂપેણ નદી જીવંત કરવા તથા તળાવ ભરવાની માંગ પુર્ણ ન થઇ

મહેસાણા, તા., ૫: મહેસાણા જીલ્લામાં ખેરાલુ તાલુકાના ૩ ગામોમાં ચુંટણીનો બહિષ્‍કાર કરાયો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં બીજા તબક્કા માટે મતદાન થઇ રહ્યુ છે. બીજા તબક્કામાં મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ૩ ગામોએ ચૂંટણીનો બહિષ્‍કાર કર્યો હતો. ખેરાલુના વરેઠા, ડાલીસણા અને ડાવોલમાં ચૂંટણીનો બહિષ્‍કાર કરવામાં આવ્‍યો હતો.

 ખેરાલુના ૩ ગામ વરેઠા, ડાલીસણા અને ડાવોલમાં ચૂંટણીનો બહિષ્‍કાર કરવામાં આવ્‍યો છે. રૂપેણ નદી જીવંત કરવાની તેમજ તળાવ ભરવાની માંગ સાથે આ ત્રણેય ગામે ચૂંટણીનો બહિષ્‍કાર કર્યો હતો. આ ગામમાં એક પણ મત પડ્‍યો નહતો.

 ખેરાલુ તાલુકાના ડાવોલ, વરેઠા અને ડાલીસણા ગામમાં છેલ્લા ૨૦ વર્ષથી પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે. આ ત્રણેય ગામના લોકો મોટા ભાગે ખેતી અને પશુપાલન પર નીર્ભર છે. આ ગામમાં આસપાસ બે મોટા ડેમ હોવા છતા ટેન્‍કર દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે છે.

ગામમાં પાણીની સમસ્‍યાને કારણે લોકો હિજરત કરી રહ્યા છે અને શહેરો તરફ નોકરી ધંધા માટે જઇ રહ્યા છે. ખેરાલુ પાસે ધરોઇ અને મુક્‍તેશ્વર બે ડેમ આવેલા હોવા છતા આ ત્રણ ગામમાં પાણી માટે લોકોએ વલખા મારવા પડે છે.

ગ્રામજનોનું કહેવુ છે કે જ્‍યા સુધી ત્રણ ગામમાં પાણી નહી મળે ત્‍યા સુધી કોઇ પણ ચૂંટણીમાં મતદાન કરીશું નહી. ૨૦૦૨માં તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને હાલ વડાપપᅠપ્રધાન નરેન્‍દ્ર મોદીએ પાણી આપવાનું વચન આપ્‍યુ હતુ. રૂપેણ નદીને જીવંત કરવા અને ચીમનાબાઇ સરોવર ભરવાની વાત કરી હતી. જોકે, વર્ષો પછી પણ આ સમસ્‍યાનો કોઇ ઉકેલ આવ્‍યો નથી.

(5:23 pm IST)