Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

લગ્ન પ્રસંગમાં અચાનક સ્‍ટેજ પર ઢળી પડી કન્‍યાઃ હાર્ટ અટેક આવતા થયું મોત

દુલ્‍હનનું મોત થતાં બંને પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડયો

લખનઉ,તા.૫ :આ સમગ્ર ઘટના ઉત્તરપ્રદેશના લખનઉની છે કે જયાં લગ્ન દરમિયાન કન્‍યા અચાનક સ્‍ટેજ પર ઢળી પડી હતી. કન્‍યાને તાત્‍કાલિક હોસ્‍પિટલ લઈ જવામાં આવી કે જયાં રસ્‍તામાં જ તેનું મોત થઈ ગયું. આ કન્‍યાના મોતનું કારણ હાર્ટ અટેક જણાવવામાં આવી રહ્યું છે. જેથી લગ્નના શુભ પ્રસંગમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. લગ્ન પ્રસંગમાં સ્‍ટેજ પર ફોટોગ્રાફી દરમિયાન કન્‍યાને હાર્ટ અટેક આવ્‍યો હતો. તે ત્‍યાં જ ઢળી પડી હતી. મળતી માહિતી મુજબ, શિવાંગી શર્મા નામની ૨૧ વર્ષની યુવતીને હાર્ટ અટેક આવ્‍યો હતો. જેથી તે ત્‍યાં જ ઢળી ગઈ હતી.

લગ્ન કરી રહેલી શિવાંગી નામની ૨૧ વર્ષીય દુલ્‍હનનું અચાનક મોત થઈ ગયું હતું. વરરાજાએ તેને વરમાળા પહેરાવી હતી, પછી અચાનક કન્‍યાને ચક્કર આવતા તે સ્‍ટેજ પરથી પડી ગઈ હતી અને તેનું મૃત્‍યુ થયું હતું. તેને નજીકના હેલ્‍થ સેન્‍ટરમાં લઈ જવામાં આવી હતી, જોકે ત્‍યાં ડોક્‍ટર્સે તેને મૃત જાહેર કરી હતી. ડોક્‍ટર્સે શિવાંગીનું મોત હાર્ટ અટેકથી થયું હોવાનું જણાવ્‍યું હતું. એવું પણ જાણવા મળે છે કે શિવાંગીના લગ્નના ૧૫-૨૦ દિવસ પહેલા તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તેને સખત તાવ આવતો હતો. તેણે ડોક્‍ટરને બતાવતા જણાવ્‍યું હતું કે શિવાંગીને લો બ્‍લડપ્રેશર છે. લગ્નપ્રસંગમાં જ દુલ્‍હનનું મોત થતાં બંને પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્‍યો હતો.

(10:49 am IST)