Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

રાહુલ ગાંધીનો અલગ અંદાજઃ કમલનાથનો હાથ પકડીને કર્યો ડાન્‍સ

ગેહલોત-પાયલટ વચ્‍ચે જોવા મળ્‍યું બોન્‍ડિંગ : કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા' રાજસ્‍થાન પહોંચી ગઈ છેઃ અહીં સ્‍વાગત માટે મંચ પર સ્‍થાનિક કલાકાર નૃત્‍ય કરી રહ્યા હતાઃ આ દરમિયાન રાહુલ ગાંધી અશોક ગેહલોત કમલનાથ અને સચિન પાયલોટની સાથે ડાન્‍સ કરવા લાગ્‍યા

જયપુર,તા.૫ : કોંગ્રેસના પૂર્વ અધ્‍યક્ષ રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા' મધ્‍યપ્રદેશથી રાજસ્‍થાનમાં પ્રવેશ કરી ચૂકી છે. રાજસ્‍થાનમાં રાહુલ ગાંધીની યાત્રાનું ભવ્‍ય સ્‍વાગત કરાયું. રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા' રાજસ્‍થાનના ઝાલાવાડ જિલ્લાથી રાજસ્‍થાન પહોંચી. રાજસ્‍થાન પહોંચતા જ રાહુલ ગાંધીનો એક અલગ અંદાજ જોવા મળ્‍યો. અહીં તેમણે મંચ પર મનમૂકીને ડાન્‍સ કર્યો હતો. તેમની સાથે અશોક ગેહલોત, સચિન પાયલટ અને મધ્‍યપ્રદેશના પૂર્વ મુખ્‍યમંત્રી કમલનાથ પણ ડાન્‍સ કરતા જોવા મળ્‍યા. રાહુલ ગાંધીના સ્‍વાગત માટે રાજસ્‍થાન કોંગ્રેસે ભવ્‍ય તૈયારીઓ કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ એકતાનો સંદેશ આપવા માટે કોંગ્રેસના સીનિયર નેતાઓનો હાથ પકડીને ડાન્‍સ કર્યો.

હકીકતમાં, રાહુલ ગાંધીના સ્‍વાગત માટે મંચ પર સ્‍થાનિક કલાકાર નૃત્‍ય કરી રહ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી, અશોક ગેહલોત, કમલનાથ અને સચિન પાયલટની સાથે ડાન્‍સ કરવા લાગ્‍યા. જોકે, પહેલા ડાન્‍સ કરતી વખતે રાહુલ થોડી વાર માટે બેસી ગયા. તે પછી તેઓ ફરીથી ઊભા થઈને ડાન્‍સ કરવા લાગ્‍યા હતા.

મોટી વાત એ છે કે, રાજસ્‍થાનમાં રાહુલ ગાંધીની યાત્રા પહોંચતા જ સીએમ અશોક ગેહલોતે પોતાના અને પાયલટ વચ્‍ચેની કડવાસને દૂર કરવાનો પ્રયાસ કર્યો. રાહુલ ગાંધીના ડાન્‍સ દરમિયાન અશોક ગેહલોત અને સચિન પાયલટ એકબીજાનો હાથ પકડીને ડાન્‍સ કરતા જોવા મળ્‍યા. સ્‍ટેજ પર ડાન્‍સ દરમિયાન કમલનાથ પણ ઘણા એક્‍ટિવ જોવા મળ્‍યા.

ડાન્‍સ પછી રાહુલ ગાંધીએ અહીં એક સભાને સંબોધિત પણ કરી. સભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આ મહાત્‍મા ગાંધીની પાર્ટી છે, સાવરકર કે ગોડસેની નહીં. તેમણે કહ્યું કે, અમે સખત મહેનત કરવાનું જાણીએ છીએ. યાત્રા વિશે જાણકારી આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આ યાત્રા માટે રાજય, શહેર અને દરેક ગામના લોકોએ મદદ કરી છે. તેમણે કહ્યું કે, લોકોના દિલમાંથી ભાજપ અને આરએસએસનો ડર કાઢવા ઈચ્‍છું છું. હું લોકોમાં નફરત નથી ફેલાવતો.

ઉલ્લેખનીય છે કે, રાજસ્‍થાનમાં રાહુલ ગાંધીની યાત્રા પહેલા રાજસ્‍થાન અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્‍ચે ચાલી રહેલી ખેંચતાણને રોકવા માટે પાર્ટીના સીનિયર નેતાઓએ પહેલ કરી હતી. તો, ઈન્‍દોરમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, બંને નેતા કોંગ્રેસ પાર્ટીની એસેટ છે.

(10:43 am IST)