Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

મતદાન પૂર્વેની રાતે મતદારોને રીઝવવા અવનવા પ્રલોભનો આપતા ઉમેદવારો

વિવિધ ગામો, સમાજોની માંગણી મુજબની તમામ ‘વ્‍યવસ્‍થા' થઇ : ખાનગી રાહે, છાના ખૂણે મતને ખાતર રાજકીય પક્ષોએ શિર્ષાસન કર્યા

નવી દિલ્‍હી,તા. ૫ : આજે વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. જેમાં ૯૩ બેઠકો પર ઇવીએમમાં ઉમેદવારોનું ભાવી સીલ થવાનું છે. કતલની રાત તરીકે ઓળખાતી મતદાનની આગલી રાતે રાજકીય પક્ષોએ અને ઉમેદવારોએ મતદારોને રીઝવવા વિવિધ પ્રલોભનો આપીને જાણે શિર્ષાસન કર્યા હતા.

પાંચ વર્ષમાં એક વખત મતદાર રાજા હોય છે. ત્‍યારે તેમનો મત મેળવવા માટે રાજકીય પક્ષો અને ઉમેદવારો અનેક હથકંડા અજમાવતા હોય છે. કયાંક વચનોની લ્‍હાણી તો કયાંક ચીજ વસ્‍તુઓની લ્‍હાણી, કયાંક બાકી કામની ઉઘરાણીની પતાવટ તો કયાંક વિવિધ સમાજોની માંગણી. આ બધુ મતદાનની આગલી રાતે થતુ હોય છે. અનેક રાજકીય પક્ષો અને અનેક ઉમેદવારોએ રવિવારનો દિવસ અને રાત આ જ મહેનત કરીએ દરેક સમાજના મતદારોને ‘ખુશ' કરવા માટેની ‘વ્‍યવસ્‍થા' કરી હતી.

દાયકાઓથી પરંપરા રહી છે કે જે અશિક્ષિત સમાજ છે. જે વિકાસથી વંચિત રહેલો, છેવાડાનો સમાજ છે. જે જાગૃત નથી. તેનો લાભ રાજકારણીઓ લેતા હોય છે. આવા સમાજના મતદારો મતના બદલામાં કોઇને કોઇ અપેક્ષા રાખતા હોય છે. ઉમેદવારોને આટલું જ જોઇતુ હોય છે. તેઓ મતના બદલામાં સ્‍ટીલના વાસણો, કૂકર, સાડી,ડબ્‍બા, ઇલેકિટ્રક ચીજ-વસ્‍તુ કે રોકડ અને કેફી પીણા લઇ લે છે. લોકશાહીના અમૂલ્‍ય અવસર સમાન ચૂંટણીમાં અનેક મતદારો આ રીતે તેમનો મત આપી દેતા હોવાથી પછીના પાંચ વર્ષ તેઓએ હાલાકી ભોગવવા સિવાય છૂટકો રહેતો નથી. આ વખતે પણ આ રીતે જ પ્રલોભનોની છૂટાહાથે લ્‍હાણી થઇ હતી.

(10:41 am IST)