Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ઉંદરોની સમસ્‍યાથી છુટકારો અપાવોઃ ૧.૩૮ કરોડની નોકરી મેળવો

ન્‍યુયોર્ક, તા.૫: ન્‍યુયોર્કના મેયર એરિક ઍડમ્‍સના સત્તાવાર ટ્‍વિટર હૅન્‍ડલ પર એક પોસ્‍ટ મુકાઈ છે, જેમાં ઉંદર માટે અત્‍યંત નફરત ધરાવનારને શહેરના નવા રેટ ઝારની સેવા માટે ૧.૭૦ લાખ ડૉલર (લગભગ ૧.૩૮ કરોડ રૂપિયા) ચૂકવવા તૈયાર છે. આ પદ પર રહેલી વ્‍યક્‍તિએ ઉંદરોની સમસ્‍યાથી શહેરને છુટકારો અપાવવાનો રહેશે.

મેયર એરિક ઍડમ્‍સે પહેલી ડિસેમ્‍બરની પોતાની પોસ્‍ટમાં જણાવ્‍યું હતું કે ‘ન્‍યુયૉર્ક શહેરમાં વધતી જતી ઉંદરોની વસ્‍તી સામે લડવા માટે તમે ઝનૂન, નિશ્‍ચય તેમ જ ખૂની વળત્તિ ધરાવો છો તો તમારા સ્‍વપ્‍નની નોકરી તમારા માટે રાહ જોઈ રહી છે. આ નોકરી કરનારને શહેરી આયોજન, પ્રોજેક્‍ટ મૅનેજમેન્‍ટ તથા સરકારી કામનું પીઠબળ મળશે.'

આ નોકરી મેળવનારે ૯૦ દિવસની અંદર શહેરના રહેવાસી બનવું આવશ્‍યક છે. વળી તે ગ્રૅજ્‍યુએટની ડિગ્રી તેમ જ આ કાર્યનો અનુભવ પણ ધરાવતો હોવો જોઈએ.

‘ન્‍યુયૉર્ક પોસ્‍ટ'ના અહેવાલ મુજબ આઠ મહિનામાં ઉંદરોની વસ્‍તીમાં ૭૦ ટકાનો વધારો થયા બાદ આ પદ પર નિમણૂક કરવાનો નિર્ણય લેવાયો છે.

(12:23 pm IST)