Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

ઔવેસીએ ગ્રેટર હૈદરાબાદની ચૂંટણીમાં 5 ટિકિટ હિન્દુ ઉમેદવારોને આપી હતી તેમાંથી 3 જીત્યા

હૈદરાબાદ : ગ્રેટર હૈદરાબાદ નગર પાલિકાની ચુંટણી 1 ડિસેમ્બરે થઇ હતી અને 3 ડિસેમ્બરે પરિણામ જાહેર થયા હતા. આ ચૂંટણીમાં અસદુદદીન ઔવેસી કિંગ મેકર તરીકે ઉભરી આવ્યા. તેમની પાર્ટી AIMIM એ 44 સીટ પર જીત મેળવીને પાછલા પ્રદર્શનને જાળવી રાખ્યું છે. આ ચૂંટણીમાં ઔવેસીએ પોતાની પાર્ટીમાંથી 5 બેઠકો પર હિંદુ ઉમેદવારને ટિકીટ આપી હતી, જેમાંથી 3 ઉમેદવારે જીત મેળવી હતી. જો કે નગર પાલિકામાં ભાજપે આ વખતે મોટું મેદાન માર્યું હતું. આગલી ચૂંટણીમાં માત્ર 4 સીટ મેળવનાર ભાજપે આ વખતે 48 સીટ પરથી જીત મેળવી હતી.

ગ્રેટર હૈદરાબાદ નગર પાલિકાની ચૂંટણીમાં હૈદરાબાદના સાંસદ ઔવેસીએ કુલ 51 ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાં 10 ટકા ઉમેદવારો હિંદુ હતા. મતલબ કે ઔવેસીએ 5 હિંદુ ઉમેદવારોને ટિકીટ આપી હતી, જેમાંથી 3 ઉમેદવાર જીત્યા હતા અને બે ઉમેદવારની હાર થઇ હતી. જો કે આ ચૂટંણીનું નોંધપાત્ર પાસું એ રહ્યું કે આગલી ચૂંટણીમાં માત્ર 4 સીટ મેળવનાર ભાજપે આ વખતે હૈદરાબાદની ચૂંટણીમાં એડી ચોટીનું જોર લગાવ્યું હતું અને આ વખતે 48 સીટ મેળવી હતી.

ગ્રેટર હૈદરાબાદ નગર પાલિકાની ચૂંટણીનું એનાલીસીસ જોઇએ તો સત્તાધારી પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ ( ટીઆરએસ)એ ભારે પછડાટ ખાધી. આગલી ચૂંટણીમાં 99 સીટો પર વિજય મેળવનાર ટીઆરએસને આ વખતની ચૂંટણીમાં 55 સીટ જ મળી. ટીઆરએસને ફટકો એટલા માટે પડયો કારણકે ભાજપે પાલિકાની ચૂંટણીમાં માઇક્રો લેવલે પ્લાનિંગ કર્યું હતું.રાષ્ટ્રીય નેતાઓ હૈદરાબાદ ચૂંટણી પ્રચારમાં પહોંચ્યા હતા અને ગૃહ મંત્રી  શાહનું આ ચૂંટણી પર ખાસ ધ્યાન હતું. એટલે ભાજપને ગઇ વખતની 4ની સામે આ વખતે 48 સીટ મળી. આ ચૂંટણીમાં પહેલાં નબરે તો ટીઆરએસ જ રહી, બીજા નંબરે ભાજપ અને ત્રીજા નંબરે ઔવેસીની પાર્ટી રહી

(11:45 pm IST)