Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

અંબાણી પરિવારને મારી નાખવાની ધમકી આપતો ફોન આવ્યો

રિલાયન્સ હોસ્પિટલની લેન્ડ લાઈન પર ફોન આવ્યો : ઘટનામાં ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો, આ કોલ અજાણ્યા નંબર પરથી આવ્યો હતો

મુંબઈ, તા.૫ : મુંબઈમાં આજે બપોરે ૧૨.૫૭ વાગ્યે શહેરની એક હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સાથે ફોન આવ્યો ત્યારે હડકંપ મચી ગયો હતો. મુંબઈ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન મુજબ આ ઘમકી ભર્યો ફોન સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની લેન્ડ લાઈન પર આવ્યો હતો. ફોન કરનારે હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આ કોલ અજાણ્યા નંબર પરથી આવ્યો હતો. ફોન કરનારે અંબાણી પરિવારના કેટલાક સભ્યોના નામ લઈને આ ધમકી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે, ફોન કરનારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે જણાવ્યું છે કે, આ ઘટનામાં ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

આ પહેલાં પણ રિલાયન્સ ફાઉન્ડેશનની આ હોસ્પિટલની લેન્ડ લાઇન પર કોલ આવ્યો હતો અને ફોન કરનારે અંબાણી પરિવારને ધમકી આપી હતી. જો કે, આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. ઓગસ્ટ મહિનામાં દેશની આર્થિક રાજધાની મુંબઈની પ્રખ્યાત લીલા હોટલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ૫ કરોડની માંગણી કરતા બે શકમંદોની અટકાયત પણ કરી હતી. આ કેસમાં હોટલ પ્રશાસન પાસેથી કોલ દ્વારા ૫ કરોડ રૃપિયાની માંગણી કરવામાં આવી હતી. બાદમાં ૩ કરોડની માંગણી કરવામાં આવી હતી. એક વ્યક્તિએ ફોન પર ધમકી આપી હતી કે હોટેલ એડમિનિસ્ટ્રેશને બોમ્બ ધડકા ના થાય માટે ૫ કરોડ ચૂકવવા પડશે.

 

 

(7:59 pm IST)