Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

અંતિમ ટી20 મેચમાં 49 રને ભારતનો પરાજય : સિરીઝ 2-1થી કરી કબજે

રિલી રોસોની શાનદાર સદી અને બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી આફ્રિકાએ ત્રીજી ટી0 મેચમાં ભારતને 49 રને હરાવ્યું

ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી ત્રણ મેચની સિરીઝની અંતિમ મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતને 49 રને પરાજય આપ્યો છે. હોલ્કર સ્ટેડિયમમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકાની ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 227 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 178 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત ભલે અંતિમ ટી20 મેચમાં હારી ગયું હોય પરંતુ રોહિત શર્માની ટીમે શ્રેણી 2-1થી પોતાના નામે કરી લીધી છે. 

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકાની ટીમને 30 રન પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. કેપ્ટન ટેમ્બા બાવૂમા સતત ત્રીજી મેચમાં ફ્લોપ રહ્યો અને માત્ર 3 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ ડિ કોક અને રીલી રોસોએ બીજી વિકેટ માટે 90 રનની ભાગીદારી કરી હતી. ડિ કોક 43 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 68 રન બનાવી રનઆઉટ થયો હતો. 

સાઉથ આફ્રિકાનો બેટર રોસો પ્રથમ બે ટી20 મેચમાં ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો હતો. પરંતુ ત્રીજી મેચમાં તેણે શાનદાર બેટિંગ કરતા પોતાના ટી20 કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. રોસોએ માત્ર 48 બોલમાં 8 સિક્સ અને 7 ચોગ્ગા સાથે અણનમ 100 રન બનાવ્યા હતા. તો ટ્રિસ્ટન સ્ટબ્સ 18 બોલમાં 23 રન બનાવી આઉટ થયો હતો. ડેવિડ મિલરે 5 બોલમાં ત્રણ છગ્ગા સાથે અણનમ 19 રન ફટકાર્યા હતા. 

સાઉથ આફ્રિકાએ આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને બીજા બોલ પર ઝટકો લાગ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા શૂન્ય રન બનાવી રબાડાનો શિકાર બન્યો હતો. ત્યારબાદ શ્રેયસ અય્યર (1) ને પાર્નેલે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. રિષભ પંતે 14 બોલમાં 3 ફોર અને બે સિક્સ સાથે 27 રન ફટકાર્યા હતા. પંત એનગિડીનો શિકાર બન્યો હતો. 

ફિનિશર દિનેશ કાર્તિક આજે ચોથા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 21 બોલમાં ચાર ફોર અને ચાર સિક્સ સાથે 46 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ માત્ર 8 રન બનાવી પ્રિટોરિયસનો શિકાર બન્યો હતો. અક્ષર પટેલ 9, હર્ષલ પટેલ 18 અને અશ્વિન બે રન બનાવી આઉટ થયો હતો. દીપક ચાહરે 17 બોલમાં ત્રણ છગ્ગા અને બે ચોગ્ગા સાથે 31 રન ફટકાર્યા હતા. અંતમાં મોહમ્મદ સિરાજ 5 રન બનાવી આઉટ થયો હતો.

(12:51 am IST)