Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

અયોધ્યાને ૨૦૦૦ કરોડના ખર્ચે ટુરિસ્ટ સ્પોટ બનાવાશે

૧૧ વર્ષમાં પર્યટકોની સંખ્યા ૬.૮ કરોડ લઈ જવા ટાર્ગેટ : યોગી સરકારે અયોધ્યાને દેશના સૌથી મોટા ધાર્મિક પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનો નિર્ણય લીધો છે

લખનૌ, તા.૪ : અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન બાદ હવે યોગી સરકારે અયોધ્યાને દેશના સૌથી મોટા ધાર્મિક પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનો નિર્ણય લીધો છે. આ માટે અયોધ્યા પાછળ ૨૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. અયોધ્યાને શાનદાર નગરી બનાવવા માટે સરકાર અલગ અલગ પગલા ભરશે. જેમાં અયોધ્યામાં બનનારી ભગવાન રામની સૌથી ઉંચી મૂર્તિ પણ સામેલ છે.આગામી ૧૧ વર્ષમાં અયોધ્યામાં આવનારા વાર્ષિક પર્યટકોની સંખ્યા ૨.૨ કરોડથી વધારીને ૬.૮ કરોડ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યુ છે.

યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, સરકાર અયોધ્યાનો ચારે તરફથી વિકાસ કરવા માટે અને તેમાં ગુણવત્તા જાળવવા માટે કટિબદ્ધ છે.અયોધ્યા બહુ ઝડપથી ટુરિઝમ સ્પોટ તરીકે જાણીતુ થઈ રહ્યુ છે એટલે અયોધ્યાનો વિકાસ પણ ઝડપથી કરવો જરુરી છે.અયોધ્યાને સોલર સિટી તરીકે વિકસિત કરવાની શક્યતાઓ પર પણ વિચાર કરવામાં આવે.

તેમણે કહ્યુ હતુ કે, અયોધ્યાના બ્રાન્ડિંગ માટે પ્રોફેશનલ્સની મદદ લેવાશે.વિકાસની યોજનાઓ એવી હશે જેનાથી અયોધ્યાની ધાર્મિક ઓળખ જળવાઈ રહે. તેમણે કહ્યું હતું કે,  નવા એરપોર્ટ બનાવવા માટે જે પણ વિઘ્નો છે તેને વહેલી તકે દુર કરવામાં આવે.એરપોર્ટ માટે ૧૬૦ એકર જમીન સંપાદન થઈ ચુકી છે અને બીજી ૨૫૦ એકર જમીન વહેલી તકે સંપાદન કરવામાં આવશે.અયોધ્યામાં બે આધુનિક બસ સ્ટેશન પણ બનાવાશે.

(12:00 am IST)