Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

હિંદુ દેવી-દેવતાઓની તસવીર પર ચીકન વેચનારાની ધરપકડ

ઉત્તર પ્રદેશના સંભલ ખાતેની ચર્ચાસ્પદ ઘટનામાં કાર્યવાહી : તાલિબ હુસેનનામના શખ્સે દેવી-દેવતાની તસવીરવાળા કાગળના ટુકડા પર ચિકન વેચતા વિરોધ બાદ પોલીસ પહોંચતા તેમના પર પણ હુમલો કર્યો હતો

લખનૌ, તા.૦૫ : ઉત્તર પ્રદેશના સંભલ ખાતે એક વ્યક્તિની હિન્દુ દેવી-દેવતાઓના તસવીર ધરાવતા પેપર પર ચિકન વેચીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને પોલીસ ટીમ પર હુમલો કરવા બદલ આરાપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના રવિવારના રોજ બની હતી જ્યારે કેટલાક લોકોએ ફરીયાદ કરી હતી કે, તાલિબ હુસેન દેવી-દેવતાની તસવીરવાળા કાગળના ટુકડા પર પોતાની દુકાનમાંથી ચિકન વેચી રહ્યો હતો. જેનાથી તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી. અહેવાલ અનુસાર, જ્યારે પોલીસ ટીમ તેની દુકાન પર પહોંચી ત્યારે તાલિબ હુસેને કથિત રીતે તેમના પર છરી વડે હુમલો કર્યો હતો.

પોલીસ અધિક્ષક ચક્રેશ મિશ્રાએ સોમવારે વરિષ્ઠ સબ-ઈન્સ્પેક્ટર અજય કુમાર દ્વારા દાખલ કરાયેલા અહેવાલ અંગે જણાવ્યું હતું કે, સંભલ કોતવાલી વિસ્તારમાં તાલિબ હુસેન નામનો વ્યક્તિ પોતાની હોટલમાં દેવી-દેવતાઓની તસવીરોવાળા કાગળો પર ચિકન વેચી રહ્યો હતો.

કેટલાક લોકોએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આરોપ છે કે, તપાસ દરમિયાન તાલિબે પોલીસ ટીમ પર ચાકુ વડે હુમલો કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે, આ મામલે રવિવારે મોડી રાત્રે તાલિબ વિરૃદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૫૩ 'અ' (દુશ્મનાવટ ફેલાવો) ૨૯૫ એ ( ધર્મનું અપમાન અને ઈરાદાપૂર્વક પૂજા સ્થળને નુકસાન પહોંચાડવું અથવા અપવિત્ર કરવું)

 ૩૭૫(સરકારી કામમાં અવરોધ) અને ૩૦૭ ( હત્યાનો પ્રયાસ) હેઠળ કેસ નોંધીને તેની ધરપકડ કરવામાં આવી હતી.

મિશ્રાએ કહ્યું હતું કે, ઘટનાસ્થળેથી દેવી-દેવતાઓની તસવીરોવાળી અખબારોની નકલ અને છરી જે ઉપયોગ કરવામાં આવેલ તે મળી આવી છે.

 

(8:02 pm IST)