Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ઉમેશ કલ્હે વોટ્સએપ ટ્રેપનો શિકાર બનેલઃ મેસેજનો સ્ક્રીનશોટ અન્ય ગ્રુપમાં શેર કરાયેલ

અમરાવતી હત્યાકાંડમાં નવો ખુલાસો

મુંબઈ,તા.૫: મહારાષ્ટ્રના અમરાવતીમાં વોટ્સએપ પોસ્ટ કરનારા કેમિસ્ટ ઉમેશ કોલ્હેની નિર્દયતા પૂર્વક કરવામાં આવેલી હત્યાના મામલે નવી માહિતી સામે આવી છે કે, કેવી રીતે વોટ્સએપ ગ્રુપના મેમ્બર્સે ૫૪ વર્ષના ઉમેશની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું અને તેને અંજામ આપવામાં આવ્યો હતો. ઉમેશ કોલ્હેની ૨૧ જૂનના રોજ છરીથી ઘા કરી હત્યા કરી દેવામાં આવી હતી. હવે ફત્ખ્એ આ કેસની તપાસ હાથ ધરી છે.

એક અહેવાલ પ્રમાણે ઉમેશ કોલ્હેએ બ્લેક ફ્રીડમ નામના વોટ્સએપ ગ્રુપ પર વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટ બીજેપી નેતા નુપુર શર્માના નિવેદન સાથે સંબંધિત હતી. આ ગ્રુપમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો હતા. ગ્રુપના એક સભ્યએ કોલ્હેના મેસેજનો સ્ક્રીનશોટ લઈ તેને અન્ય વોટ્સએપ ગ્રુપમાં મૂક્યો હતો. આ ગ્રુપનું નામ કલીમ ઈબ્રાહિમ ગ્રુપ હતું. આ પોસ્ટ જોઈને આ ગ્રુપના સભ્યો ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. અને ત્યાર બાદ તેઓએ ઉમેશ કોલ્હે સાથે બદલો લેવાનું નક્કી કર્યું હતું.

ઉમેશ કોલ્હેની હત્યાનો માસ્ટરમાઈન્ડ ઈરફાન ખાન નામનો વ્યકિત છે. ઈરફાન રહેબર હેલ્પલાઈન નામની એનજીઓ ચલાવે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ઉમેશની હત્યાનું ષડયંત્ર રચ્યા બાદ તેની રેકી કરવામાં આવી હતી. એકવાર ૨૦ જૂને પણ તેના પર હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ તે પ્લાન સફળ નહોતો થઈ શક્યો. જે બાદ ૨૧મી જૂને ઉમેશ જ્યારે તેની દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે હુમલાખોરોએ તેને ઘેરી લીધો હતો અને છરીના ઘા મારી ઘાતકી હત્યા કરી નાખી હતી.

ઉમેશ કોલ્હેની હત્યા મામલે પોલીસ ૭ આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. જેમાં કથિત માસ્ટરમાઈન્ડ ઈરફાન શેખ, વેટરનરી ડો. યુસુફ ખાન, શાહરૃખ, શોએબ ખાન, અતીબ રશીદ, અબ્દુલ તૌફીક અને મુદસ્સીર સામેલ છે. ડો. યુસુફ ખાન એ વ્યકિત છે જેણે ઉમેશ કોલ્હેના મેસેજનો સ્ક્રીનશોટ અન્ય ગ્રુપમાં પોસ્ટ કર્યો હતો. ત્યારબાદ તે પોસ્ટને બીજા ઘણા ગ્રુપમાં શેર કરવામાં આવી હતી.

(3:09 pm IST)