Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

સોશિયલ મીડિયા પર મનસ્‍વી પોસ્‍ટથી વધી શકે છે મુશ્‍કેલીઓઃ સરકાર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે

સરકારે ઇન્‍ફોર્મેશન ટેકનોલોજી નિયમોમાં સુધારો કરવા માટે નોટિફિકેશન બહાર પાડયું

નવી દિલ્‍હી તા. ૫ : નુપુર શર્માના કેસમાં સુપ્રીમ કોર્ટની ટીપ્‍પણી વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર અભિયાન ચાલી રહ્યું હતું. લોકોએ સોશિયલ મીડિયા પર સુપ્રીમ કોર્ટની ટિપ્‍પણી સામે મોરચો ખોલ્‍યો હતો. દિલ્‍હી હાઈકોર્ટના નિવૃત્ત જસ્‍ટિસ શિવનારાયણ ઢીંગરાએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન બેન્‍ચ દ્વારા કરવામાં આવેલી ટિપ્‍પણી પર આકરી પ્રતિક્રિયા આપી હતી.

તે જ સમયે, નુપુર શર્માને ઠપકો આપતા સુપ્રીમ કોર્ટના જસ્‍ટિસ જેબી પારડીવાલાએ એક કાર્યક્રમમાં સોશિયલ મીડિયાના નિયમન વિશે વાત કરી હતી. આ ટીપ્‍પણીઓ બાદ ન્‍યાય પ્રક્રિયા સાથે જોડાયેલા લોકો તેમજ બૌદ્ધિકોમાં જોરદાર ચર્ચા થઈ હતી.

હવે સરકાર સોશિયલ મીડિયા પર પણ કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. સોશિયલ મીડિયા પર રેગ્‍યુલેશનની તૈયારી અંતિમ તબક્કામાં છે. નુપુર શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્‍પણી અને સોશિયલ મીડિયા પર ચર્ચા સંસદમાં પણ સાંભળી શકાય છે. અભિવ્‍યક્‍તિની સ્‍વતંત્રતાના નામે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર કંઈપણ લખવું આગામી મહિના પછી મુશ્‍કેલ સાબિત થઈ શકે છે.

એવી ચર્ચા છે કે સોશિયલ મીડિયા પર લોકોની મનસ્‍વી પોસ્‍ટ પર કડક કાર્યવાહી કરવા માટે સરકારે ડ્રાફટ તૈયાર કર્યો છે. ડ્રાફટ મુજબ સોશિયલ મીડિયા માટે બનાવેલા નિયમોમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, ફરિયાદોના નિરાકરણ માટે અને અધિકારીઓના નિર્ણયો સામે દાખલ કરવામાં આવેલી અપીલ પર વિચારણા કરવા માટે એક ફરિયાદ અપીલ સમિતિની પણ રચના કરવામાં આવશે. ઈન્‍ફોર્મેશન ટેક્‍નોલોજી નિયમો ૨૦૨૧માં સુધારા માટે સામાન્‍ય સૂચના પણ જારી કરવામાં આવી છે.

 ડ્રાફટ નોટિફિકેશન મુજબ, આ સમિતિએ અપીલ મળ્‍યાની તારીખથી ૩૦ દિવસમાં ફરિયાદનો નિકાલ કરવાનો રહેશે. આ નિર્ણય Twitter, Facebook, Instagram, WhatsApp સહિત તમામ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર લાગુ થશે. ટ્‍વિટરે સમયાંતરે સામુદાયિક માર્ગદર્શિકાના કથિત ઉલ્લંઘનને ટાંકીને સેલિબ્રિટીઝ સહિત અનેક યુઝર્સના એકાઉન્‍ટ સસ્‍પેન્‍ડ કર્યા છે. આવી સ્‍થિતિમાં સરકારનું આ પગલું મહત્‍વપૂર્ણ માનવામાં આવે છે.

ડ્રાફટ નોટિફિકેશન અંગે કેન્‍દ્ર સરકાર એક અથવા વધુ સમિતિઓની રચના કરશે, જેમાં વડા તેમજ સભ્‍યો હશે. આમાં એવી જોગવાઈ હશે કે યુઝર્સ ફરિયાદ અધિકારીઓ સામે અપીલ દાખલ કરી શકશે. ઈન્‍ફોર્મેશન ટેક્‍નોલોજી મંત્રાલયે ૨૨ જૂન સુધી સામાન્‍ય નાગરિકો પાસેથી સૂચનો અને વાંધાઓ મંગાવ્‍યા છે. એવું માનવામાં આવે છે કે જુલાઈના અંત સુધીમાં કેન્‍દ્ર સરકાર સોશિયલ મીડિયાના નિયમોને અંતિમ સ્‍વરૂપ આપી દેશે.

ઈન્‍ફોર્મેશન ટેક્‍નોલોજી પ્રધાન રાજીવ ચંદ્રશેખરના જણાવ્‍યા અનુસાર, સોશિયલ મીડિયાના ઉપયોગ અને ફરિયાદોના વધુ સારા નિરાકરણ માટે સિસ્‍ટમ બનાવવાના સૂચન પર આ કરવામાં આવી રહ્યું છે. ચંદ્રશેખરે એમ પણ કહ્યું છે કે વ્‍યાપક વિચાર-વિમર્શ બાદ સોશિયલ મીડિયાના નિયમોમાં નવા સુધારાને જુલાઈના અંત પહેલા અંતિમ સ્‍વરૂપ આપવામાં આવશે.

(10:28 am IST)