Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

GST નંબર રદ્દ થવાનાં કારણોની પૂર્તતા કરાશે તો ફરી કાર્યરત થશે

જીએસટી કાઉન્‍સિલની બેઠકમાં વેપારીઓને રાહત આપતો નિર્ણય કરાયો

નવી દિલ્‍હી તા. ૫ : કોઇપણ કારણોસર જીએસટી નંબર રદ્દ કરવામાં આવ્‍યો હોય અને તે કારણોની પૂર્તતા કરી દેવામાં આવે તો જીએસટી નંબર ફરીથી કાર્યરત કરી દેવામાં આવે તેવો સુધારો જીએસટી કાઉન્‍સિલની બેઠકમાં કરવામાં આવ્‍યો છે. તેના માટે સત્તાવાર જાહેરનામુ બહાર પાડવામાં આવ્‍યા પછી જ તેનો અમલ થવાની શક્‍યતા રહેલી છે. તેમ છતાં આ નિર્ણયને કારણે હજ્‍જારો વેપારીઓને સૌથી વધુ રાહત થવાની છે.

જીએસટી કાઉન્‍સિલની બેઠકમાં વેપારીઓને રાહત આપતો નિર્ણય કરવામાં આવ્‍યો છે. કારણ કે જીએસટી લાગુ થવા બાદ આજ દિન સુધીમાં વિવિધ કારણોસર જીએસટી નંબર સસ્‍પેન્‍ડ કરી દેવામાં આવ્‍યો હોય અથવા તો રદ્દ કરી દેવામાં આવ્‍યો હોય છે. આવા વેપારીઓને નંબર રદ્દ કરતા પહેલા વેપારીને નોટીસ પણ આપવામાં આવતી હોય છે, પરંતુ તે નોટીસનો યોગ્‍ય જવાબ આપવા ઉપરાંત નિયમ પ્રમાણે દંડ સહિતની રકમ ભરપાઇ કરવામાં આવતી નહીં હોવાથી નંબર ફરીથી કાર્યરત થઇ શકતો નથી. પરંતુ હવે તેમાં સુધારો કરવાનું નક્કી કર્યુ છે. જીએસટી કાઉન્‍સિલની બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્‍યો છે કે વેપારીનો નંબર જે કારણોસર રદ્દ કરી દેવામાં આવ્‍યો હોય તે કારણોની પૂર્તતા એટલે કે નિયમો પ્રમાણેની કાર્યવાહી કરીને દંડ સહિતની રકમ ભરપાઇ કરી દેવામાં આવે. રિટર્ન ભરી દેવામાં આવે. લીધેલી ક્રેડિટ મિસમેચમાં વ્‍યાજ સહિતની રકમ ભરવામાં આવે તેવા તમામ કારણોની પૂર્તતા કરવામાં આવે તો ૧૫ જ દિવસમાં તે નંબર ફરીથી કાર્યરત કરવામાં આવશે.

આ અંગે ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટે જણાવ્‍યું હતું કે, જીએસટી કાઉન્‍સિલને બેઠકમાં જાહેરાત કરવામાં આવ્‍યા બાદ તેનો પરિપત્ર ઝડપથી બહાર પાડવામાં આવે તો વેપારીઓના બંધ થયેલા જીએસટી નંબર તાત્‍કાલિક શરૂ કરી શકાશે.

(10:31 am IST)