Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ક્‍યા રાજ્‍યના પ્રજાના પ્રતિનિધિઓને દર મહિને કેટલુ વેતન મળે છે ? સૌથી વધુ - ઓછું કોને ?

રસપ્રદ વિશ્‍લેષણ : તેલંગાણાના MLA સૌથી વધુ માલદાર તો ત્રિપુરાના ધારાસભ્‍યોને સૌથી ઓછો પગાર

નવી દિલ્‍હી તા. ૫ : દિલ્‍હી એસેમ્‍બલીએ ધારાસભ્‍યોના પગાર અને ભથ્‍થાને બમણા કરવાનું બિલ પસાર કર્યું છે. આમ આદમી પાર્ટીના નેતૃત્‍વવાળી દિલ્‍હી સરકારે કહ્યું કે દિલ્‍હીના ધારાસભ્‍યોનો પગાર દેશમાં સૌથી ઓછો છે. ગત વખતે જયારે દિલ્‍હીના ધારાસભ્‍યોના પગાર વધારવાનું બિલ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્‍યું હતું ત્‍યારે તેની ખૂબ ટીકા થઈ હતી.

દિલ્‍હી સરકારના કાયદા, ન્‍યાય અને કાનૂની બાબતોના મંત્રી, કૈલાશ ગેહલોતે મંત્રીઓ, ધારાસભ્‍યો, સ્‍પીકર, ડેપ્‍યુટી સ્‍પીકર, વિરોધ પક્ષના નેતા અને મુખ્‍ય દંડકના પગારમાં વધારો કરવા માટે એક બિલ રજૂ કર્યું. દિલ્‍હીમાં એક ધારાસભ્‍યને હાલમાં પગાર અને ભથ્‍થાં તરીકે દર મહિને ૫૪,૦૦૦ રૂપિયા મળે છે, જે હવે વધારીને ૯૦,૦૦૦ રૂપિયા કરવામાં આવશે.

સુધારેલા પગાર અને ભથ્‍થાના વિભાજનમાં મૂળભૂત પગાર - રૂ. ૩૦,૦૦૦, મતવિસ્‍તાર ભથ્‍થું - રૂ. ૨૫,૦૦૦, સચિવાલય ભથ્‍થું - રૂ. ૧૫,૦૦૦, ટેલિફોન ભથ્‍થું - રૂ. ૧૦,૦૦૦, પરિવહન ભથ્‍થું - રૂ. ૧૦,૦૦૦નો સમાવેશ થાય છે. કેન્‍દ્રીય ગૃહ મંત્રાલયે મે મહિનામાં દિલ્‍હી સરકારને ધારાસભ્‍યોના પગાર અને ભથ્‍થાંમાં સુધારો કરવા માટે વિધાનસભામાં વિધાનસભ્‍ય દરખાસ્‍ત રજૂ કરવા માટે તેની પૂર્વ મંજૂરી આપી હતી.

દિલ્‍હી સરકારનો દાવો છે કે દિલ્‍હીના ધારાસભ્‍યોનો પગાર દેશમાં સૌથી ઓછો છે. સોમવારે આમ આદમી પાર્ટી દ્વારા એક ટ્‍વિટ પણ કરવામાં આવ્‍યું છે, જેમાં દેશના અલગ-અલગ રાજયોના ધારાસભ્‍યોના પગાર વિશે માહિતી આપવામાં આવી છે. AAPના ટ્‍વિટ મુજબ તેલંગાણાના ધારાસભ્‍યોનો પગાર સૌથી વધુ છે. પગાર અને ભથ્‍થા સહિત તેને દર મહિને ૨.૫૦ લાખ રૂપિયા મળે છે.

(10:23 am IST)