Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

બહારગામની ટ્રેનોમાં ગંદા ટોઇલેટની ફરિયાદ હવે બની જવાની ભૂતકાળ

રેલવે ટ્રેનમાં એક ઓફિસર તહેનાત કરશે જે ટોઇલેટ સ્‍વચ્‍છ રાખવામાં આવે એનુ ધ્‍યાન રાખશે

નવી દિલ્‍હી,તા. ૫ : લાંબા અંતરની ટ્રેનોમાં ખાસ કરીને પ્રવાસીઓની ફરિયાદ અસ્‍વચ્‍છ ટોઇલેટ અને એસી ન ચાલતું હોવાની હોય છે. જોકે એનું નિવારણ લાવવા પહેલાં રેલવેએ ટ્‍વિટર હેન્‍ડલ પર અથવા હેલ્‍પલાઇન નંબર પર એની જાણ કરવાની સુવિધા આપી હતી, જેથી રેલવેનો સ્‍ટાફ આવીને એ સ્‍વચ્‍છ કરી જતો હતો. જોકે હવે એનાથી એક ડગલું આગળ વધીને રેલવેએ ટ્રેનમાં જ એક ઓફિસરને તહેનાત કરીને તેને ટોઇલેટ સ્‍વચ્‍છ રાખવામાં આવે એની ચકાસણી કરવા કહ્યું છે.

ખાસ કરીને જનરલ કોચ અને સ્‍લીપર કોચના પ્રવાસીઓને આ અસ્‍વચ્‍છ ટોઇલેટની સમસ્‍યાનો સામનો કરવો પડતો હોય છે. રેલવેએ આ માટે હાલ પાઇલટ પ્રોજેક્‍ટ હાથ ધર્યો છે અને એસી કોચમાં એ સુવિધા ઉપલબ્‍ધ કરી છે. અત્‍યાર સુધી ૫૦૦ કરતાં વધુ ચકાસણી થઈ ગઈ છે. ટોઇલેટ સ્‍વચ્‍છ રાખવું, એને મેઇન્‍ટેઇન કરવું અને અન્‍ય સમસ્‍યાઓનો એ ઓફિસરો તેમની ટીમ સાથે ઉકેલ લાવશે. આ સુવિધા ધીમે-ધીમે સ્‍લીપર કોચ અને જનરલ કોચમાં પણ વધારવામાં આવશે. આ માટે રેલવેના ડિવિઝનલ જનરલ મેનેજર, રેલવેના ટેક્‍નિકલ એન્‍જિનિયર અને અન્‍ય અધિકારીઓ ઓફિસરોની ફાળવણી કરશે એમ રેલવે દ્વારા કહેવામાં આવ્‍યું છે.

(10:32 am IST)