Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

જો બાઈડને ૫૫ ભારતીય મૂળના લોકોની નિમણૂંક કરી

અમેરિકામાં ભારતીય મૂળના લોકોનો દબદબો વધ્યો : જો બાઈડને મંગળ ગ્રહ પર રોવર ઉતારનાર નાસાના વૈજ્ઞાનિકો સાથે વાતચીતમાં આ વાતની કબૂલાત કરી

નવી દિલ્હી, તા.૫  :અમેરિકામાં ભારતીય મૂળના લોકોનો સરકારમાં દબદબો વધી રહ્યો છે તે વાત હવે ખુદ અમેરિકાના પ્રમુખ જો બાઈડને પણ સ્વીકારી છે. જો બાઈડન પ્રમુખ બન્યા તે પછી ૫૦ દિવસમાં તેમણે અલગ અલગ હોદ્દાઓ પર ૫૫ જેટલા ભારતીય મૂળના લોકોની નિમણૂંક કરી છે. બાઈડને મંગળ ગ્રહ પર રોવર ઉતારનાર નાસાના વૈજ્ઞાનિકો સાથે વાતચીત દરમિયાન કહ્યુ હતુ કે, ભારતીય મૂળના લોકોનો અમેરિકામાં દબદબો વધી રહ્યો છે. આ માટે તેમણે નાસાના વૈજ્ઞાનિક સ્વાતિ મોહન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને પોતાના ભાષણ લખનાર વિનય રેડ્ડીના નામ આગળ કર્યા હતા.ઉલ્લેખનીય છે કે, નાસાએ મંગળ પર ઉતારેલા યાનમાં સ્વાતિ મોહનની મહત્વની ભૂમિકા રહી છે અને બીજી તરફ ઈન્ડિયાસ્પોર નામની સંસ્થાએ બાઈડન સરકારના નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા કહ્યુ છે કે, ભારતીય મુળના લોકો અમેરિકાની સેવા કરવાના કામોમાં સામેલ થઈ રહ્યા છે તે જોઈને ખુશી થાય છે. નવી સરકાર આવ્યા બાદ ઘણા ભારતીય મૂળના લોકો જોડાયા છે અને ભારતીય મૂળનો દબદબો વધતો જોઈને ગર્વ પણ અનુભવાય છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા બરાક ઓબામાના શાસનકાળમાં પણ ભારતીય મૂળના લોકોની સરકારમાં સૌથી વધારે નિમણૂંકો કરવામાં આવી હતી.

(7:50 pm IST)