Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

અમેરિકાએ જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ ગણાવ્યો

બાઈડન શાસન પાસેથી પણ પાકિસ્તાનને નિરાશા :મોદી સરકારના કલમ ૩૭૦ હટાવવાના નિર્ણયને બાઈડન સરકારનું પણ સમર્થન હોવાનું દેખાઈ રહ્યું છે

નવી દિલ્હી, તા.૫  : મોદી સરકારે ૨૦૧૯માં જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ નાબૂદ કર્યા બાદ પાકિસ્તાનને આશા હતી કે, આ મામલે અમેરિકાની ટ્રમ્પ સરકાર સાથ આપશે પણ પાકિસ્તાનની આશા ઠગારી નીવડી હતી.

બીજી તરફ ભારતે જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની જાહેરાત પણ કરી દીધી હતી. ટ્રમ્પ સરકારની વિદાય બાદ બાઈડન સરકાર પણ જમ્મુ કાશ્મીર મુદ્દે ભારતનુ સમર્થન કરતી દેખાઈ રહી છે અને તેના કારણે પાકિસ્તાનની હતાશા વધી ગઈ છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે પોતાના પ્રેસ બ્રિફિંગમાં ફરી એક વખત જમ્મુ કાશ્મીરને ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ ગણાવ્યો છે. જેના કારણે મોદી સરકારના કલમ ૩૭૦ હટાવવાના નિર્ણયને બાઈડન સરકારનુ પણ સમર્થન હોવાનુ દેખાઈ રહ્યુ છે. પાકિસ્તાની મીડિયામાં તેને લઈને ચર્ચા શરુ થઈ ગઈ છે. પાકિસ્તાનના અખબારના કહેવા પ્રમાણે એક તરફ અમેરિકા પાકિસ્તાનને આશ્વાસન આપી રહ્યુ છે કે, કાશ્મીર અંગેની અમેરિકાની નીતિમાં કોઈ ફેરફાર થયો નથી અને બીજી તરફ અમેરિકા જમ્મુ કાશ્મીરને ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ ગણાવી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, ભારતીય લોકશાહીને અનુરુપ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય કરવા માટે ભારતે જે પણ પગલા ભર્યા છે તેનુ અમે સ્વાગત કરીએ છે.

ગયા મહિને પણ કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવાઓ ફરી ચાલુ કરવાના નિર્ણયને અમેરિકાએ વખાણીને જમ્મુ-કાશ્મીરને ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ ગણાવ્યો હતો.

(7:49 pm IST)