Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ઇલેક્ટ્રોથર્મમાં સંજય ભંડારીની એડિ.ડાયરેકટર તરીકે નિમણૂંકને NCLTએ 17મી સુધી રોક લગાવી

નિમણૂંક આપવાની પ્રક્રિયાની કાયદેસરતાને પડકારાઈ હતી

મુંબઈ : ઇલેકટ્રોથર્મ કંપનીની બોર્ડ મીટીંગના એજન્ડાને NCLT (નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ) પડકારવામાં આવ્યો છે. જેમાં આ મીટીંગમાં કંપનીના એડિશનલ ડાયરેકટર અને હોલ ટાઇમ ડાયરેકટર તરીકે સંજય ભંડારીને નિમણૂંક આપવાની પ્રક્રિયાની કાયદેસરતાને પડકારવામાં આવી હતી.

NCLTના બે જજોની ખંડપીઠે સંજય ભંડારીની એડિશનલ ડાયરેકટર અને હોલ ટાઇમ ડાયરેકટર તરીકે નિમણૂંક કરવા પર તા.17મી માર્ચ સુધી તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે. એટલું જ નહી, એનસીએલટી દ્વારા સંજય ભંડારીની વિશ્વસનીયતા, યોગ્યતા અને પાત્રતા સામે પણ સવાલો ઉઠાવ્યા હતા અને તેના આદેશમાં મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું કે, સંજય ભંડારીની યોગ્યતા કે લાયકાત સાબિત કરતાં કોઇ દસ્તાવેજી પુરાવા કે, અન્ય મટીરીયલ રેકર્ડ પર આવ્યું નથી. માત્ર, કંપનીના નોન એકઝીકયુટીવ ચેરમેન દ્વારા તેમની નિમણૂંક માટે ઇ-મેલ મારફતે પત્ર પૂરો પાડવામાં આવ્યો હતો. આ પત્ર સિવાય અન્ય કોઇ મટીરીયલ જણાતુ નથી. સંજય ભંડારીની વિશ્વસનીયતા, યોગ્યતા અને પાત્રતા કે લાયકાત પુરવાર કરે તેવું મટીરીયલ નથી. આ સંજોગોમાં સંજય ભંડારીની એડિશનલ ડાયરેકટર અને હોલ ટાઇમ ડાયરેકટર તરીકે નિમણૂંક સામે તા.17મી માર્ચ સુધી રોક લગાવવામાં આવે છે

જો કે, એનસીએલટીની ખંડપીઠે અરજદાર મુકેશ ભંડારી કે જે કંપનીના ફાઉન્ડર અને હાલમાં નોન એકઝીકયુટીવ ડાયરેકટર છે તેમની પણ હોલ ટાઇમ ડાયરેકટર તરીકે નિયુકિત કરવા પર પણ રોક લગાવી દીધી છે. સમગ્ર કેસની વધુ સુનાવણી તા.17મી માર્ચે મુકરર કરી છે.

નોંધનીય છે કે, એનસીએલટીએ કંપનીના બોર્ડ ઓફ ડિરેકટર્સને ઉપરોકત બે નિમણૂંક પર રોક લગાવવા આદેશ કરવાની સાથે સાથે બોર્ડ ઓફ ડિરેકટરની મીટીંગના બાકીના એજન્ડા પર આગળ કાર્યવાહી કરવા લીલીઝંડી આપી હતી, પરંતુ એનસીએલટીના આદેશ બાદ ઇલેક્ટ્રોથર્મ કંપનીની બોર્ડ ઓફ ડિરેકટર્સની તા.2જી માર્ચના રોજ સાંજે 4-30 વાગ્યે યોજાનારી સમગ્ર મીટીંગ કંપની દ્વારા રદ કરી દેવાઇ હતી.

અરજદાર કંપનીના ડાયરેકટર મુકેશ ભંડારી તથા તેમના પુત્ર સિધ્ધાર્થ ભંડારી દ્વારા એનસીએલટી સમક્ષ કરેલી પિટિશનમાં હાઇકોર્ટના એડવોકેટ સિધ્ધાર્થ રવિ ખેસકાનીએ મહત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોથર્મ કંપનીમાં તા.18-1-2021ના રોજ જીએસટીના દરોડા પડતાં રૂ.451 કરોડના બોગસ બીલીંગના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં કંપનીની પ્રિમાઇસીસમાંથી રૂ.33 લાખની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાતાં જીએસટીના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. બીજીબાજુ, કંપનીના મેનેજીંગ ડિરેકટર શૈલેષ ભંડારીના નિવાસસ્થાનેથી પણ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. બાદમાં આ સમગ્ર મામલે સાંતેજ પોલીસ સ્ટેશનમાં કંપનીના મેનેજીંગ ડિરેકટર શૈલેષ ભંડારી સહિતના આરોપીઓ વિરૂધ્ધ ચાર અલગ-અલગ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં આરોપી શૈલેષ ભંડારી પાસેથી આઠ જીવતા કારતૂસ મળી આવ્યા હોવાની ફરિયાદ નોંધાયેલી છે. આ ફરિયાદ બાદ કંપનીના મેનેજીંગ ડિરેકટર શૈલેષ ભંડારી ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને બીજીબાજુ, કંપનીનું મેનેજમેન્ટ સંભાળવા માટે તેમના પ્રતિનિધિ તરીકે તેમના માણસને ગોઠવવાના ભાગરૂપે સંજય ભંડારીને રાતોરાત બોર્ડ ઓફ ડિરેકટર્સમાં સ્થાન અપાવવાની હિલચાલ આરંભાઇ હતી. આ માટે તા.2જી માર્ચના રોજ કંપનીની બોર્ડ ઓફ ડિરેકટર્સની મીટીંગ બોલાવવામાં આવી હતી અને તેમાં સંજય ભંડારીની એડિશનલ ડાયરેકટર અને હોલ ટાઇમ ડાયરેકર તરીકે નિમણૂંક આપવા સહિતના અન્ય કામોનો એજન્ડા બોર્ડ ઓફ ડિરેકટર્સને સરકયુલેટ કરવામાં આવ્યો હતો.

અરજદારપક્ષ તરફથી એડવોકેટ સિધ્ધાર્થ રવિ ખેસકાનીએ એનસીએલટી બેંચનું ખાસ ધ્યાન દોર્યું હતું કે, વાસ્તવમાં અન્ય કામોના ઓથા હેઠળ સંજય ભંડારીને તેમની ડિરેકટર માટેની કોઇ લાયકાત, યોગ્યતા કે વિશ્વસનીયતા નહી હોવા છતાં રાતોરાત તેમને કંપનીમાં શૈલેષ ભંડારીના પ્રતિનિધિ અથવા તો માણસ તરીકે સ્થાન મળી જાય તેવા બદઇરાદા સાથે બોર્ડ ઓફ ડિરેકટર્સની તાકીદની મીટીંગ બોલાવી આ સમગ્ર કારસો પાર પાડવાનું આયોજન કરાયું હતુ પરંતુ તે બિલકુલ ગેરકાયદે, અયોગ્ય અને કંપનીના હજારો શેરધારકોના હિત વિરૂધ્ધનું પગલું હોઇ એનસીએલટીએ આ સમગ્ર મામલે દરમ્યાનગીરી કરી સંજય ભંડારીની નિયુકિતને તાત્કાલિક અટકાવવી જોઇએ અને આ મામલે જરૂરી આદેશ કરવા જોઇએ. વળી, કંપનીના સ્વતંત્ર ડિરેકટરો દિનેશ શંકર મુકાતી, પ્રતાપ મોહન અને નિવેદીતા શારદાની સ્વતંત્ર ડિરેકટર તરીકેની નિમણૂંકને અરજદાર પક્ષ દ્વારા એનસીએલટીમાં પડકારવામાં આવેલી છે, જેમાં એવી દહેશત વ્યકત કરવામાં આવી છે કે, આ ત્રણેય સ્વતંત્ર ડિરેકટરો શૈલેષ ભંડારીની તરફેણમાં સંજય ભંડારીની નિમણૂંક થાય તે માટે વોટીંગ કરી કંપનીના હજારો શેરધારકોને ગંભીર નુકસાન પહોંચાડે તેમ હોઇ તેઓની નિયુકિત પણ રદ કરવા માંગણી કરવામાં આવી હતી. આ સિવાય અગાઉ ઇલેક્ટ્રોથર્મ કંપનીના મેનેજીંગ ડિરેકટર શૈલેષ ભંડારીએ બોગસ સહીઓના આધારે કંપનીમાંથી આશરે રૂ.100 કરોડથી વધુની ઉચાપત કરી કંપનીના હજારો શેરધારકોને નુકસાન પહોંચાડયુ હોવા બાબતે પણ એનસીએલટીનું ધ્યાન દોરાયુ હતું. આમ, સંજય ભંડારીની કંપનીના ડાયરેકટર બનવા માટેની કોઇ લાયકાત, અનુભવ, પાત્રતા કે યોગ્યતા અને વિશ્વસનીયતા નહી હોવાથી એનસીએલટી દ્વારા તેમની નિયુકિતને તાત્કાલિક અસરથી અટકાવવી જોઇએ. અન્યથા ઇલેક્ટ્રોથર્મ કંપનીના હજારો શેરધારકોના હિતને ગંભીર નુકસાન થાય તેમ છે તેવી દાદ પણ અરજદારપક્ષ તરફથી મંગાઇ હતી. આ દલીલો ગ્રાહ્ય રાખી એનસીએલટીએ સંજય ભંડારીની ઇલેક્ટ્રોથર્મ કંપનીના એડિશનલ ડાયરેકટર તેમ જ હોલ ટાઇમ ડાયરેકટર તરીકે નિમણૂંક પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી હતી

(12:55 am IST)
  • મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર સામે મળેલ શંકાસ્પદ સ્કોર્પીયો કારના માલિકનું રહસ્યમય મોત : કાર માલિક મનસુખ હિરેનનો મૃતદેહ મળી આવતા ખળભળાટ : થોડા દિવસ અગાઉ રિલાયન્સના મુકેશ અંબાણીના ઘરની બહાર શંકાસ્પદ સ્કોર્પીયો કાર દેખાઈ હતી : જેમાંથી જીલેટીન મળ્યા હોવાના જે તે વખતે ખુલાસો થયો હતો access_time 5:24 pm IST

  • મ્યાંમાંરમાં જબરી હિંસાઃ ૧૯ પોલીસ કર્મચારી ભાગીને ભારત ભેગા.... : મ્યાંમાંરમાં ભારે હિંસા સર્જાઇ છે. ૧૯ પોલીસકર્મી ભાગીને ભારત પહોંચ્યા છે. શરણ માગ્યું છે. આ તમામ મ્યાનમારની સરહદે આવેલા પૂર્વ-પૂર્વ રાજ્ય મિઝોરમના બે જિલ્લા ચંપાઈ અને શેરચિપ થઈને ભારતમાં પ્રવેશ્યા છે. બધા લોકો નીચલા ક્રમાંકિત પોલીસ અધિકારીઓ છે. તેઓ ભારતની સરહદ પર આવ્યા ત્યારે તેમની પાસે કોઈ હથિયાર નહોતા. access_time 3:45 pm IST

  • કોંગ્રેસના સ્ટાર પ્રચારકની ભૂમિકામાં આવી પ્રિયંકા : દાદી ઈન્દિરા ગાંધી લોકો સાથે હળીમળી જવામાં માહિર : અસમથી પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણી પ્રચારની શરૂઆત કરી : અન્ય રાજ્યોમાં તેમનો કાર્યક્રમ પણ ઘડાઈ છે : કોંગ્રેસના નબળા સમયે અને સતત પાર્ટીના ધોવાણ થતા સાથે કાર્યકરોની પણ નારાજગી વખતે પણ પ્રિયંકામાં જોમ જુસ્સો યથાવત :મુશ્કેલીના સમયે પાર્ટીની ઢાલ બની ઉંભરતી પ્રિયંકાની ખાસિયતમાં દેખાય છે ઇન્દિરા ગાંધીજીની ઝલક access_time 12:32 am IST