Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

ડો. તેજસ પટેલ દ્વારા રોબોટીક હાર્ટ સર્જરી

વાસ્કયુલર રોબોટિકસ ટેકનોલોજીઃ અમેરિકાની બહાર વિશ્વમાં સહુ પ્રથમ અમદાવાદ ખાતે પ્રારંભઃ પદ્મશ્રી - વિશ્વવિખ્યાત ડો. તેજસ પટેલે ભારતને ઐતિહાસિક ગૌરવ આપ્યું: રોબોટ દ્વારા એન્જીયોપ્લાસ્ટી - સ્ટેન્ટીંગ કરનાર પ્રથમ કાર્ડિયોલોજિસ્ટ બન્યાઃ પત્રકાર પરિષદમાં રસપ્રદ વિગતો અપાઇઃ રોબોટિકસના સાથથી દૂર-સુદૂરના શહેરો - ગામોમાં - સ્થળો પર પણ સ્ટેન્ટના દર્દીઓને ટેલી સ્ટેન્ટીંગ જેવી ટેકનોલોજી ઉપલબ્ધ બનશે, જે દેશ-દુનિયા માટે ક્રાંતિ

અમદાવાદ તા. ૪ : વિશ્વખ્યાત કાર્ડિયોલોજિસ્ટ - પદ્મશ્રી એવોર્ડી ડો. તેજસ પટેલે હૃદય અંગેની આરોગ્ય સેવામાં અસાધારણ ઉડાન ભરી છે. અમદાવાદમાં અત્યાધુનિક રોબોટિક ટેકનોલોજીના ઉપયોગથી કોરોનરી એન્જીયોપ્લાસ્ટી અને સ્ટેન્ટિંગનો પ્રારંભ કર્યો છે. આ ટેકનોલોજી અમેરિકા બાદ વિશ્વમાં માત્ર ભારતમાં અમદાવાદ ખાતે કાર્યરત બની છે. ડો. તેજસ પટેલે અમદાવાદને વૈશ્વિક સ્તરે અસાધારણ ગૌરવ અપાવીને ઐતિહાસિક સિધ્ધિ હાંસલ કરી છે. તેઓ ભારતમાં વાસ્કયુલર રોબોટિક ટેકનોલોજી લાવનારા પ્રથમ કાર્ડિયોલોજીસ્ટ બન્યા છે. ગુજરાત માટે આ ગૌરવ આભને આંબનારૂ છે.

ભારતની ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીના ઇતિહાસમાં ભારતના પનોતા પુત્ર અને વિશ્વ વિખ્યાત ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ એવા અમદાવાદની એપેકસ હાર્ટ ઇસ્ટિટયૂટના ચેરમેન અને ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ડો. તેજસ પટેલે (એમ.ડી., ડી.એમ., એફ.એસ.સી.આઇ., એફ.એ.સી.એસ.આઇ., એફ.એ.સી.સી. એફ.ઇ.એસ.સી., એફ.એસ.સી.એ.આઇ.)વધુ એક નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી છે. તેમણે એપેકસ હાર્ટ ઇન્સ્ટિટયૂટ ખાતે વ્યાવસાયિક ધોરણે સૌ પ્રથમ કોરપાથ જી.આર.એકસ. (યુ.એસ.એફ.ડી.એ. માન્ય) લગાવવાની જાહેરાત કરી છે. યુનાઇટેડ સ્ટેટ્સની બહારની આ એકમાત્ર અને પ્રથમ વેસ્કયુલર રોબોટિક સિસ્ટમ્સ છે. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં ડો. તેજસ પટેલે ઊંડાણથી રસપ્રદ વિગતો આપી હતી.

ડો. તેજસ પટેલ વિશ્વ કક્ષાએ નામાંકિત છે અને ટ્રાન્સરેડિયલ એકસેસ ટેકનિકના પ્રણેતા છે અને તેમણે પોતાની ૨૫ વર્ષોની કારકિર્દી દરમિયાન આશરે ૫૦૦૦થી પણ વધારે ફીઝીશ્યનોને તાલીમ આપી છે.

ડો. તેજસ પટેલે રોબોટિક પધ્ધતિની મદદ દ્વારા રાઇટ ડોર્સલ ટ્રાન્સરેડીયલ એકસેસ દ્વારા હોસ્પિટલનું પ્રથમ સ્ટેન્ટિંગ કર્યું હતું. પોતાના કેન્દ્ર ખાતે વાસ્કયુલર રોબોટિકસ ઇન્સ્ટોલેશનના ૩ અઠવાડિયામાં ડો. તેજસ પટેલે ડો. સંજય શાહ સાથે મળીને એકયુટ માયોકાર્ડિયલ ઇન્ફેકશન (એ.એમ.આઇ.) અને ક્રોનિક ટોટલ ઓકલુઝન (સી.ટી.ઓ.)વાળા દર્દીઓ જેવા જટિલ ૫૦થી પણ વધારે કેસોમાં કોરોનરી એન્જીયોપ્લાસ્ટી - સ્ટેન્ટિંગ કર્યું છે.

ભારતમાં ગુજરાત, અમદાવાદની એપેકસ હાર્ટ ઇન્સ્ટિટયૂટ અત્યાધુનિક કાર્ડિયોલોજી કેન્દ્ર છે અને હવે તે ભારતના અને સમગ્ર વિશ્વના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ્સને રોબોટિક આસિસ્ટેડ પકર્યુટેનીયસ કોરોનરી ઇન્ટરવેન્શન્સ (પી.સી.આઇ.)ની તાલીમ આપવા માટેનું યે.એસ.એ. બહારનું પ્રથમ 'ગ્લોબલ સેન્ટર ઓફ એકસેલેન્સ' બન્યું છે. અહીં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશ - વિદેશથી લોકો પૂર્ણ વિશ્વાસ સાથે હાર્ટની સર્જરી, એન્જીયોપ્લાસ્ટી, એન્જીયોગ્રાફી સહિતની આધુનિક સારવાર માટે વર્ષોથી આવી રહ્યા છે.

ડો. તેજસ પટેલ હંમેશથી જ એક દુરંદેશીભર્યા તબીબ રહ્યા છે અને હૃદયરોગોની વાત છે ત્યાં સુધી તેઓ હંમેશા જાણે કાયમ આરોગ્યલક્ષી કાળજીને નવિનત્તમ રાખવા માટે સદાય સતર્ક હોય છે. તેઓ માને છે કે, આ ટેકનોલોજી કોરોનરી આર્ટરી ડિસીઝની સારવાર બાબતે ભારતને આગલી હરોળમાં મુકી આપશે. તેમને લાગે છે કે, ભારતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કોરોનરી આર્ટરી ડિસીઝના દર્દીઓની સંખ્યામાં થઇ રહેલા ચિંતાજનક વધારાને પહોંચી વળવા માટે સર્વશ્રેષ્ઠ ટેકનોલોજીની તાતી જરૂર છે. રોબોટિકસની સહાયથી સુદૂરના સ્થળો પર પણ સ્ટેન્ટના દર્દીઓને ટેલી-સ્ટેન્ટિંગ જેવી ટેકનોલોજી રોબોટિકસ દ્વારા ઉપલબ્ધ થઇ શકશે, તબીબો માટે નક્કર તબીબી નિર્ણયો કરી શકે તે માટે ઇન-બિલ્ટ આર્ટિફિસિયલ ઇન્ટેલીજન્સ (આઇ.આર.) અને સીનીયર કાર્ડિયોલોજીસ્ટ્સ યુવા કાર્ડિયોલોજીસ્ટને તાલીમબધ્ધ કરી શકશે. આ તમામ પ્રગતિઓની આપણા રાષ્ટ્રમાં આરોગ્યલક્ષી સેવાઓ પર ખૂબ અસરકારક પુરવાર થશે.

ડો. પટેલે જણાવ્યું હતું કે, 'કોરપાથ જી.આર.એકસ.થી સૌ પ્રથમ કેસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ હું અને મારા જોડીદાર ડો. સંજય શાહ આ સિસ્ટમ્સથી ખૂબ જ પ્રભાવિત થયા છીએ અને જે પ્રકારે સામાન્ય અને જટિલ બંને પ્રકારની પ્રોસીજર આ પધ્ધતિ દ્વારા વધુ ચોક્કસાઇપૂર્વક થઇ શકે છે તે ખરેખર અદ્ભૂત છે.' રોબોટિકસ એ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વનો હિસ્સો છે. એપેકસ હાર્ટ ઇન્સ્ટિટયૂટ દ્વારા અમે આ ટેકનોલોજીને ભારત તથા વિદેશોમાં પણ ફેલાવવા માંગીએ છીએ.

શ્રી રિયાઝ દેસાઇ (મેનેજીંગ ડિરેકટર ઓફ માઇક્રોપોર્ટ ઇન્ડિયા)એ જણાવ્યું હતું કે, 'માઇક્રોપોર્ટમાં અમે સૌને પરવડે તેવા ભાવે ભારતીય દર્દીઓને વિશ્વકક્ષાની સારવાર દાખલ કરવાનું અમારૃં ધ્યેય છે. એપેકસ હાર્ટ ઇન્સ્ટિટયૂટ, ગુરૂદ્વારા પાસે, એસ.જી. રોડ, અમદાવાદમાં યુ.એસ.એ.ની કોરીન્ડસ વાસ્કયુલર રોબોટિકસ સાથે ભાગીદારીમાં ભારતમાં વિશ્વની એકમાત્ર વાસ્કયુલર રોબોટિકસ સિસ્ટમ્સ દાખલ કરતા અમે ગૌરવ અનુભવી રહ્યા છીએ. આ સાથે જ યુ.એસ.એ.ની બહાર ભારત સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવો દેશ બન્યો છે જે ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી વાસ્કયુલર રોબોટિકસ ક્ષેત્રમાં ન માત્ર દર્દીને ચોકસાઇ અને સલામત સર્જરી આપે છે પરંતુ સર્જરી દરમિયાન દર્દી અને કાર્ડિયોલોજીસ્ટ્સ અને કેથ લેબ સ્ટાફને પણ રેડિએશનની અસરમાંથી ખાસી એવી મુકિત આપે છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની દર્દીઓને પોસાય તેવા ભાવે આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવાના સ્વપ્નને અમે પણ સાકાર કરવા માંગીએ છીએ. જી.આર.એકસ. રોબોટિકસ સિસ્ટમ્સને દાખલ કરવાથી તેમના આ સ્વપ્નને પૂર્ણ કરી શકાશે. અમે એપેક્ષ ઇન્સ્ટિટયૂટના ડો. તેજસ પટેલની સાથે ભાગીદારી બદલ ધન્યતા અનુભવીએ છીએ જેઓ એક મહાન પ્રશિક્ષક, સંશોધક આધુનિકતા સ્વિકારનાર અને એક વિદ્વાન તરીકે પ્રખ્યાત છે. ડો. પટેલ પોતાના જ્ઞાનને પોતાના સાથીઓ સાથે વહેંચીને માનવ કલ્યાણમાં આસ્થા ધરાવે છે.'

માર્ક ટોલાન્ડ, પ્રમુખ અને સી.ઇ.ઓ., કોરિન્ડસએ અગાઉ જણાવ્યું હતું કે, એપેકસ હાર્ટ ઇન્સ્ટિટયૂટે ભારતમાં સૌ પ્રથમ રોબોટિકસ પ્રોગ્રામ દાખલ કરતા અમે હાર્દિક ખુશીની લાગણી અનુભવી રહ્યા છીએ, તથા તેના ઉપયોગના પ્રથમ ત્રણ દિવસોમાં જ અગિયાર પી.સી.આઇ. પ્રોસીજર કરી તે બાબતે અમે હર્ષ અનુભવીએ છીએ. ભારતમાં કોરિન્ડસનું નવું અને વિકસી રહેલું માર્કેટ છે, અને આ ક્ષેત્રમાં અમારી પ્રિસીશન વાસ્કયુલર રોબોટિકસ દાખલ કરતા ડો. તેજસ પટેલ અને એપેકસ હાર્ટ ઇન્સ્ટિટયૂટ કામ કરવા અમે આતુર છીએ.

આપ પણ કોઇ પણ કવેરી એપોઇન્ટમેન્ટ કે બીજી જાણકારી માટે એપેકસ હાર્ટ ઇન્સ્ટિટયૂટ, ગુરૂદ્વારા પાસે, અમદાવાદ મો. ૯૮૨૪૮ ૨૧૧૪૬ અથવા ૯૯૦૪૪ ૦૭૭૫૫ ઉપર સંપર્ક કરી શકો છો. પદ્મશ્રી એવોર્ડી ડો. તેજસ પટેલ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે. (તસ્વીરો - પૂરક અહેવાલઃ નિમિષ ગણાત્રા)

(9:50 am IST)