Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ડિજિટલ વ્‍યવહાર વધવા છતાં રોકડ જ રાજા

ઘર આંગણે નોટ માટેના પેપર -ઇન્‍કનું ઉત્‍પાદન થવાના કારણે નોટ છાપવાનો ખર્ચ વધ્‍યો નહીં : ૧૩૧ બિલિયન નંગ નોટ સરક્‍યુલેશનમાં

મુંબઇ,તા. ૪ : ડિજિટલ વ્‍યવહાર વધ્‍યા હોવા છતાં પણ હજુ રોકડ જ રાજા હોવાનું રિઝર્વ બેંક ઓફ ઇન્‍ડિયાના આંકડા કહી રહ્યા છે. આ વર્ષમાં ૩૧.૩૪ લાખ કરોડના મૂલ્‍યની ૧૩૧ બિલિયન નંગ ચલણી નોટ સક્‍યુલેશનમાં છે. જે કોરોનાના વર્ષ કરતા ઘણી જ વધુ છે. સૌથી મોટો ફરક એ પડયો છે કે હવે વધુ નોટ છાપવા છતાં પણ આરબીઆઇને નોટ છાપવાનો ખર્ચ એટલો બધો વધ્‍યો નથી. નોટ માટેના પેપર અને ઇન્‍ક ઘરઆંગણે જ બનવા લાગ્‍યા છે તેના કારણે ચલણી નોટ ક્ષેત્રે ભારત આત્‍મનિર્ભર બન્‍યુ છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્‍ડિયામાં આજરોજ યોજાયેલી પ્રાદેશિક મીડિયા માટેની કાર્યશાળામાં આરબીઆઇના ટોચના અધિકારીઓએ વિવિધ બાબતો પર પ્રકાશ ફેંકયો હતો. ચલણીની નોટના વ્‍યવસ્‍થાપન અંગે અધિકારીઓએ કહ્યુ કે પહેલા આપણે ૬૪ બિલિયન નંગ નોટ છાપી હતી. પછીના પાંચ વર્ષે એટલે કે ૨૦૧૬માં ૧૯ બિલિયન નંગ નોટ છાપી હતી. આ વર્ષમાં ૧૩૧ બિલિયન નંગ નોટ છાપી છે. મતલબ જુદા-જુદા ચલણની આટલી નોટ સરક્‍યુલેશનમાં છે.
આરબીઆઇને નોટ છાપવાનું પ્રમાણ વધવા છતાં ખર્ચમાં કોઇ વધારો થયો નથી. ૨૦૧૪-૧૫-૧૬માં ૪૦૦૦ કરોડનો ખર્ચ થયો હતો. જેથી ૨૦૨૦-૨૧માં ૫૦૦૦ કરોડનો થયો છે. કેમ કે  હવે ઓરિસ્‍સામાં અને મૈસુરમાં પેપર મીલ છે ત્‍યાંથી નોટ છાપવા માટે નો કાગળ આવે છે. જે અગાઉથી વિદેશથી મંગાવવો પડતો હતો. નોટની ઇન્‍કનું પણ બેંગ્‍લુરૂંમાં ઉત્‍પાદન થાય છે. રિઝર્વ બેંક દર વર્ષે ૨૦૦ કરોડ નોટ છાાપે છે. કરન્‍સી રિસર્ચ લેબ પણ બનાવી છે.

બે હજારની નોટ બંધ થવાની નથી

બે હજારના દરની નોટ પાછી ખેંચવાની અફવાનું ખંડન કરતા અધિકારીઓએ જણાવ્‍યુ કે બે હજારના દરની નોટ બંધ થવાની નથી. નવી નોટ પણ છાપી નથી. હા. અમે ધીમે ધીમે તેને ચલણમાંથી પરત લઇ રહ્યા છીએ. કેમ કે રોજબરોજના વ્‍યવહારમાં તે ઉપયોગી નથી. તેવું સર્વેમાં આવ્‍યુ છે

 

નોટ પર કોઇનો ફોટો છપાવાનો નથી, પ્‍લાસ્‍ટિકની નોટની કોઇ વાત નથી

સોશ્‍યલ મીડિયામાં ચલણી નોટ પર ગાંધીજી સિવાયના મહાનુભાવોના ફોટા છાપવા માટેના અહેવાલ ફરતા થયા છે તે વિશે અધિકારીઓએ કહ્યુ કે આ બધુ બોગસ છે. ચલણી નોટ પર કોઇનો ફોટો છાપવાનો નથી. પ્‍લાસ્‍ટીકની નોટ છાપવા માટે અગાઉ પ્રોજેકટ હાથ ધરાયો હતો. પરંતુ હાલમાં તેમાં કોઇ પ્રગતિ નથી. ભવિષ્‍યમાં આગળ ઉપર પ્રક્રિયા થશે.

 

(11:03 am IST)