Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

કાબુલમાં ફરી એક શાળામાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ :46 છોકરીઓ સહિત 53 લોકોના મોત

વિસ્ફોટ શહેરના પશ્ચિમમાં આવેલા દશ્ત-એ-બરચી વિસ્તારમાં કાઝ એજ્યુકેશન સેન્ટરમાં થયો: બ્લાસ્ટ બાદ મૃતદેહોના ચીંથરા ઉડી ગયા

અફઘાનિસ્તાન ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટથી હચમચી ગયું છે. મળતી માહિતી મુજબ પશ્ચિમ કાબુલના શાહિદ માજરી રોડ પર આવેલી એક સ્કૂલમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો છે. એજન્સીના રિપોર્ટ અનુસાર આ હુમલામાં 53 લોકોના મોત થયા છે. તેમાં 46 યુવતીઓ અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. બ્લાસ્ટ બાદ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે

સમાચાર એજન્સી એએફપીએ સંયુક્ત રાષ્ટ્રને ટાંકીને કહ્યું કે કાબુલની એક શાળામાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક શૈક્ષણિક સંસ્થામાં 30 સપ્ટેમ્બરે બ્લાસ્ટ થયો હતો. પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે આત્મઘાતી હુમલામાં 19 લોકો માર્યા ગયા હતા. પરંતુ આ હુમલામાં 53 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં 46 છોકરીઓનો સમાવેશ થાય છે. આ સાથે લગભગ 110 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

તાલિબાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કાબુલના શિયા વિસ્તારમાં એક શાળા પર એક આત્મઘાતી બોમ્બરે હુમલો કર્યો હતો, એજન્સી એપીએ જણાવ્યું હતું. આ વિસ્ફોટ શહેરના પશ્ચિમમાં આવેલા દશ્ત-એ-બરચી વિસ્તારમાં કાઝ એજ્યુકેશન સેન્ટરમાં થયો હતો. જ્યારે આ હુમલો થયો ત્યારે વર્ગ ભરચક હતો. બ્લાસ્ટ બાદ મૃતદેહોના ચીંથરા ઉડી ગયા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના બાદ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં લોહીથી લથપથ પીડિતોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે આ કોચિંગ સેન્ટરમાં વિદ્યાર્થીઓ અને છોકરીઓ હાઈસ્કૂલના ગ્રેજ્યુએશનની તૈયારી કરી રહ્યા હતા. વિસ્ફોટ થયો ત્યારે વિદ્યાર્થી યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા માટે પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

અફઘાનિસ્તાનમાં શાળાઓ સામાન્ય રીતે શુક્રવારે બંધ રહે છે. નાગરિક લક્ષ્યો પર હુમલો કરવો એ દુશ્મનની અમાનવીય ક્રૂરતા અને નૈતિક ધોરણોનો અભાવ સાબિત કરે છે, એમ તેમણે જણાવ્યું હતું. આ વિસ્ફોટની જવાબદારી હજુ સુધી કોઈ જૂથે લીધી નથી. મૃતકો અને ઘાયલોની યાદી દિવાલો પર ચોંટાડી દેવામાં આવી હતી

 

(10:29 pm IST)