Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

યુટ્યુબ સ્ટારે ૪૫ કરોડના પોકેમોન ટ્રેડ કાર્ડ પહેર્યું

લોગન પોલે ડબલ્યુડબલ્યુઈ રેસ્ટલમેનિયામાં ડેબ્યુ : ડબલ્યુડબલ્યુઈએ વીડિયો શેર કર્યો હતો જેમાં અમેરિકી યુટ્યુબર એરિનામાં એન્ટ્રી કરતા નજર આવી રહ્યા છે

વોશિંગ્ટન, તા.૪ : સોશિયલ મીડિયા સ્ટાર લોગન પોલે ડબલ્યુડબલ્યુઈ રેસ્ટલમેનિયામાં ચોંકાવનારું ડેબ્યુ કર્યું છે. શોમાં એન્ટ્રી દરમિયાન તેઓ વિશ્વના સૌથી મોંઘા પોકેમન કાર્ડ પહેરેલા જોવા મળ્યા હતા. તેની કિંમત ૪૫ કરોડથી પણ વધારે જણાવવામાં આવી રહી છે. તે ખૂબ જ રેયર પિકાચુ ગ્રાફિક કાર્ડ છે.

ડબલ્યુડબલ્યુઈએ પોતાના ઓફિશિયલ હેન્ડલથી એક વીડિયો શેર કર્યો હતો જેમાં ૨૭ વર્ષના અમેરિકી યુટ્યુબર એરિનામાં એન્ટ્રી કરતા નજર આવી રહ્યા છે. આ દરમિયાન તેમના ગળામાં પોકેમોન ટ્રેડ કાર્ડ લટકતો દેખાઈ રહ્યો છે. તેમને તેના કાર્ડ માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે.

ગિનીસ વર્લ્ડ રેકોર્ડના જણાવ્યા પ્રમાણે લોગન પોલને આ પ્રતિષ્ઠિત પીએસએગ્રેડ ૧૦ પિકાચુ ઈલસ્ટ્રેટર કાર્ડ ૪૦ કરોડ રૂપિયાના રેકોર્ડ બ્રેકિંગ ટ્રેન્ડ બાદ મળ્યો છે. પોલે આ કાર્ડ ૨૨ જૂલાઈ ૨૦૨૧ ખરીદ્યો હતો. એક પ્રાઈવેટ સેલમાંથી ખરીદવામાં આવેલ આ સૌથી મોંઘો પોકેમોન ટ્રેડ કાર્ડ છે.

તમને જણાવી દઈએ કે, પીએસએગ્રેડ ૧૦ પિકાચુ ઈલસ્ટ્રેટર કાર્ડને મેળવવા માટે લોગન પોલે પોતાનો પીએસએગ્રેડ ૯ પિકાચુ ઈલસ્ટ્રેટર કાર્ડ આપવો પડ્યો હતો. જેને લગભગ ૯.૬ કરોડ રૂપિયામાં તેમણે ઈટાલીના મેટ એલનથી ખરીદ્યો હતો. આ સિવાય ગ્રેડ ૧૦ કાર્ડ માટે તેમણે લગભગ ૩૦ કરોડ રૂપિયા પણ આપવા પડ્યા હતા. જોકે, પીએસએના પ્રાઈસ ગાઈડ પ્રમાણે તેની કિંમત લગભગ ૪૫ કરોડ રૂપિયા છે.

લોગન પોલે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, પિકાચુ ઈલસ્ટ્રેટર દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત અને ખૂબ જ રેર પોકેમોન કાર્ડ છે. વર્ષ ૧૯૯૮ના ઈલસ્ટ્રેશન કોન્ટેસ્ટના માત્ર ૩૯ વિજેતાઓને આ મળ્યા હતા. તેમાંથી માત્ર એક ને જ પરફેક્ટ ૧૦ ગ્રેડ મળ્યા હતા. જેને લોગન પોલે ખરીદ્યો હતો.

(8:14 pm IST)