Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

યુક્રેનના બુચા શહેરની સડકો પર લાશોના ઢગલાથી એરેરાટી

રશિયન લશ્કરની ક્રૂરતાનો ચહેરો સામે આવ્યો : યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોદિમેર ઝેલેંસ્કીએ બુચા શહેરમાં સેંકડો લોકોની કતલ કરવાનો રશિયા પર આરોપ મુકયો

કીવ, તા.૪ : યુધ્ધની કેટલું ભયાનક હોય છે તેનો ચિતાર યુક્રેનનું બુચા શહેરની સડકો પર લાશોના ઢગલા પરથી મળે છે. રશિયન સૈનિકો દ્વારા નિદોર્ષ લોકોનો ભોગ લેવાતા દુનિયામાં અરેરાટી ફેલાઇ છે. યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોદિમેર ઝેલેંસ્કીએ બુચા શહેરમાં સેંકડો લોકોની કતલ કરવાનો રશિયા પર આરોપ મુકયો છે.

 રાજધાની કીવથી ૩૭ કિમી દૂર આવેલા શહેરમાં થયેલી હત્યાઓને યુક્રેને નરસંહાર ગણાવ્યો છે. પશ્ચિમી અને નાટો દેશોએ આકરાપાણીએ થઇને રશિયા પર પ્રતિબંધ મુકવા જોઇએ એવી જર્મનીએ માંગણી કરી છે. યુએનના મહામંત્રી એન્ટોનિયો ગુટરેશે આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાનું જણાવ્યું છે.

સમાચાર એજન્સી રોઇટરના કેટલાક પ્રતિનિધિઓ દ્વારા ગત સપ્તાહના અંતે બુચાની મુલાકાત લેવામાં આવી હતી તે દરમિયાન લોકોએ ક્ષત વિક્ષત થઇ ગયેલા મૃતદેહો તરફ ધ્યાન ખેંચ્યું હતું.  બુચાના મેયરનું માનવું છે કે હાથ બાંધી દઇને મોંમાં ગોળીઓ ખોસીને કુલ ૩૦૦ લોકોને મારવામાં આવ્યા છે.

જો કે રશિયાએ બુચા શહેરમાં નરસંહાર થયો હોવાની વાતનો ઇક્નાર કરીને યુક્રેન પર ભડકામણી કરવાનો આક્ષેપ કર્યો હતો એટલું જ નહી બુચામાં નરસંહાર યુક્રેનના ઉગ્રવાદીઓ દ્વારા થયો હોવાનો મત પ્રગટ કર્યો હતો. બુચા શહેરના હત્યાકાંડ અંગે નિષ્ણાતો રશિયાને કલીનચીટ આપતા નથી કારણ કે રશિયાએ યુક્રેનમાં અનેક શહેરો પર નાગરિક વિસ્તારો પર હુમલા કર્યા છે.

યુક્રેનમાં આર્મીના સપોર્ટમાં નાગરિકોએ પણ શસ્ત્રો ઉપાડતા રશિયા માટે યુક્રેન વોર બુમરેંગ સાબીત થયું છે આવા સંજોગોમાં હુમલામાં નાગરિકોએ પણ ભોગ બનવું પડયું હતું. બુચા શહેર પર રશિયાએ કબ્જો છોડી દીધો છે પરંતુ યુધ્ધનો ભોગ બનેલા નિદોર્ષ લોકોની કરુણ કહાનીઓ હવે બહાર આવી રહી છે. યુક્રેનના અધિકારીઓનું માનવું છે કે બુચાની જેમ કીવ આસપાસના વિસ્તારોમાં પણ લાશો મળી રહી છે.

(8:12 pm IST)