Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

વિપક્ષ નેતાઓ ભ્રસ્ટાચારના કેસ દુર કરવા માટે સત્તા ઈચ્છે છે:પદ ગુમાવ્યા બાદ ઇમરાનખાને કર્યા પ્રહાર

ઇમરાન ખાને કહ્યું- વિપક્ષ લાંબા સમયથી ચૂંટણી કરાવવા માંગે છે. હવે મેં ચૂંટણીની જાહેરાત કરી છે ત્યારે વિપક્ષ ચૂંટણીથી ભાગી રહ્યો છે

પાકિસ્તાનમાં રાજકીય સંકટ સતત ઘેરાઈ રહ્યું છે. વડાપ્રધાન પદ છોડ્યા બાદ ઈમરાન ખાને ફરી એકવાર પાકિસ્તાનની જનતા સાથે મુલાકાત કરી. ઈમરાન ખાને કહ્યું હતું કે દેશમાં મોટી રાજકીય ઉથલપાથલ વચ્ચે તેઓ લોકોના સવાલોના જવાબ આપવા આવ્યા છે. વિપક્ષ પર આરોપ લગાવતા ખાને કહ્યું કે, વિપક્ષ સાડા ત્રણ વર્ષથી ખોટા આરોપો લગાવી રહ્યો છે. ઈમરાન ખાને જનતા સાથેની વાતચીતમાં કહ્યું કે વિપક્ષ હંમેશા ફિક્સ મેચ  રમ્યો છે. વિપક્ષના નેતાઓ સામે ભ્રષ્ટાચારના કેસ છે. તેઓ તેમના કેસ દુર કરવા માટે સત્તા ઈચ્છે છે.

 

ખાને કહ્યું કે, વિપક્ષ લાંબા સમયથી ચૂંટણી કરાવવા માંગે છે. હવે મેં ચૂંટણીની જાહેરાત કરી છે ત્યારે વિપક્ષ ચૂંટણીથી ભાગી રહ્યો છે. ઈમરાન ખાને વધુમાં કહ્યું કે તે રેડ ઝોનની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરશે અને પોતે જનતા સાથે વિરોધ કરવા ઉતરશે. તેમણે કહ્યું કે હવેથી તેઓ એવા લોકોને જ ચૂંટણી લડવા માટે ટિકિટ આપશે જેમના મનમાં દેશને આગળ લઈ જવાનો વિચાર હશે. તેણે લોકોને પૂછ્યું કે શું સારું છે? જે લોકોએ મત આપ્યા છે તેમની પાસે જવું કે બહારનું ષડયંત્ર રચીને સત્તામાં આવવું.

 

ઈમરાન ખાને આજે ઈસ્લામાબાદના રેડ ઝોનની બહાર વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આજે રાત્રે ઈસ્લામાબાદમાં વિપક્ષ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરશે. વિદેશી શક્તિઓ સાથે મળીને ષડયંત્ર રચી રહેલા દેશના ગદ્દારો વિરુદ્ધ આ પ્રદર્શન હશે. ખાને કહ્યું, ‘મેં રાજકારણમાં 26 વર્ષ પૂરા કર્યા છે. મેં એક વાત નોંધી છે કે, જ્યાં સુધી સંસદમાં દેશ વિશે વિચારનારા લોકો ન હોય ત્યાં સુધી પાકિસ્તાન પ્રગતિ કરી શકે નહીં.

પાકિસ્તાનમાં એક દિવસના રાજકીય ઉથલપાથલ બાદ રવિવારે સાંજે ઈમરાન માટે ખરાબ સમાચાર આવ્યા હતા. રાષ્ટ્રપતિએ નેશનલ એસેમ્બલી ભંગ કર્યા બાદ ઈમરાન ખાનને રવિવારે પાકિસ્તાનના વડાપ્રધાન પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.

(6:41 pm IST)