Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

જીએસટી વધવાથી મોંઘી થઇ ગઇ ઇંટો

ઇન્‍પુટ ટેક્ષ ક્રેડીટ ના લે તો ૬ ટકા અને લે તો ૧૨ ટકા જીએસટી

નવી દિલ્‍હી તા. ૪ : ઇંટોના ભઠ્ઠાવાળા ઇન્‍પુટ ટેક્ષ ક્રેડીટ વગર છ ટકા જીએસટી ચૂકવવા અંગેની એક કંપોઝીશન સ્‍કીમ પસંદ કરી શકે છે. જે ધંધાર્થી કંપોઝીશન સ્‍કીમ નહીં પસંદ કરે તેમના પર આઇટીસી સાથે ૧૨ જીએસટી લાગશે. નિષ્‍ણાંતો અનુસાર જીએસટી વધવાથી દરેક પ્રકારની ઇંટો મોંઘી થશે અને તેની અસર ગ્રાહકોના ગજવા પર પડશે. જણાવી દઇએ કે અત્‍યાર સુધી ઇંટોના ઉત્‍પાદન અને વેપાર પર પાંચ ટકા જીએસટી લાગતો હતો અને વેપારીઓને ઇન્‍પુટ પર ક્રેડીટ માંગવાની છૂટ હતી. સરકારે ૩૧ માર્ચે જીએસટી દરોને અધિસૂચિત કર્યા છે અને તે ૧ એપ્રિલથી લાગુ થઇ ગયા છે. અધિસૂચના અનુસાર ઇંટ, ટાઇલ્‍સ, ફલાય એશ ઇંટ અને જીવાશ્‍મ ઇંટો બનાવતા ધંધાર્થીઓ કંપોઝીશન સ્‍કીમનો વિકલ્‍પ પસંદ કરી શકે છે. જીએસટી પરિષદે ગયા વર્ષે સપ્‍ટેમ્‍બરમાં ઇંટોના ભઠ્ઠાઓને એક એપ્રિલ ૨૦૨૨થી ખાસ કંપોઝીશન સ્‍કીમ હેઠળ લાવવાનો નિર્ણય કર્યો હતો. એએમઆરજી એન્‍ડ એસોસીએટ્‍સના સીનીયર પાર્ટનર રજત મોહને કહ્યું કે, ભારતમાં પહેલા જ મોંઘવારી આસમાને છે અને તેમાં જરૂરી બુનિયાદી માળખાની વસ્‍તુઓના કરનાર દરોમાં વધારાથી ઘર અને બુનિયાદી માળખાના સેકટરને અસર થશે. તેમણે કહ્યું કે, રિયલ એસ્‍ટેટ ડેવલપર્સને આઇટીસીનો લાભ લેવાની છૂટ નથી એટલે ઇંટોના ઉત્‍પાદનમાં જીએસટી દર વધારવાથી બાંધકામ ક્ષેત્રને વ્‍યાપક અસર થશે અને છેવટે તો આ વધારાનો બોજ ગ્રાહકોના ખભા પર જ આવશે.

(11:35 am IST)