Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

મનસેના વડા રાજ ઠાકરે સાથે ગડકરીની મુલાકાત

મહારાષ્‍ટ્રના રાજકારણમાં કંઇક ખીચડી પાકી રહી છે??

મુંબઇઃ મહારાષ્‍ટ્ર નવનિર્માણ સેના (મનસે) ચીફ રાજ ઠાકરેનું દરેક રાજકીય પગલું રાજકીય ગરમી વધારી રહ્યું છે પણ આ વખતે મહારાષ્‍ટ્રના રાજકારણમાં કંઇક અલગ જ ખીચડી પાકતી દેખાઇ રહી છે. રવિવારે મોડી રાત્રે ભાજપાના કદાવર નેતા અને કેન્‍દ્રિય પ્રધાન નિતીન ગડકરી રાજ ઠાકરે સાથે મુલાકાત કરવા પહોંચ્‍યા હતા. આમ તો આ મુલાકાતને અંગત જ જાહેર કરાઇ છે પણ મહાવિકાસ અઘાડી સરકારની ખુલ્લેઆમ ટીકા કરી રહેલા રાજ ઠાકરેને ગડકરી મળ્‍યા પછી અફવાઓનું બજાર ગરમ થઇ ગયુ છે.

કેન્‍દ્રિય પ્રધાન ગડકરીએ મુંબઇમાં મનસે પ્રમુખ રાજ ઠાકરે સાથે તેમના નિવાસ સ્‍થાને મુલાકાત કરી હતી. તેમણે કહ્યું ‘આ કોઇ રાજકીય મુલાકાત નહોતી. રાજ ઠાકરે અને તેમના પરિવાર સાથે મારે સારા સંબંધો છે. હું તેમનું નવુ ઘર જોવા અને તેમની માતાના હાલચાલ પુછવા આવ્‍યો હતો.' રાજના પરિવાર સાથેની તેમની તસ્‍વીર પણ જાહેર થઇ છે. શનિવારે રાજ ઠાકરેએ મસ્‍જીદોના લાઉડ સ્‍પીકર બંધ કરાવવાની માગણી કરી હતી. શિવાજી પાર્કમાં એક રેલીમાં તેમણે કહ્યું કે મસ્‍જીદોમાં લાઉદ સ્‍પીકર આટલા મોટા અવાજે કેમ વગાડવામાં આવે છે? જો તેને બંધ નહીં કરાવાય તો મસ્‍જીદોની બહાર તેનાથી મોટા અવાજે હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. તેમણે કહ્યું કે હું પ્રાર્થના અથવા કોઇ ખાસ ધર્મની વિરૂધ્‍ધ નથી અને મને મારા ધર્મ પર ગર્વ છે.

રાજ ઠાકરેએ એનસીપી નેતા શરદ પવારની પણ ટીકા કરતા કહ્યું કે તે જાતિનો મુદો ઉઠાવીને સમાજને વિભાજીત કરે છે. તેમણે પોતાના પિત્રાઇ ભાઇ અને મહારાષ્‍ટ્રના મુખ્‍યપ્રધાન ઉધ્‍ધવ ઠાકરે પણ પણ કટાક્ષ કરતા કહ્યું કે ૨૦૧૯ની ચુંટણી પછી જયારે ઉધ્‍ધવને ખબર પડી કે ભાજપા તેમની મદદ વગર સરકાર નહીં બનાવી શકે ત્‍યારે જ તેમણે સીટોના બટવારાનો મુદો ઉઠાવ્‍યો હતો.

(11:36 am IST)