Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

૨ વર્ષમાં ખાદ્યતેલના ભાવ દોઢ ગણા : દવા ૬૦ ટકા અને મસાલા ૩૦-૪૦ ટકા મોંઘા થયા

છૂટક બજારમાં લીંબુ ૨૦૦થી ૨૨૦ રૂપિયે કિલો અને મરચા ૧૨૦ રૂપિયે કિલો વેચાઇ રહ્યા હોવાથી ભાવ સાંભળીને જ લોકો ભડકી રહ્યા છે : મધ્‍યમવર્ગને મોંઘવારીનો ડામ

નવી દિલ્‍હી તા. ૪ : છેલ્લા બે વર્ષમાં વધતી જતી મોંદ્યવારીથી લોકોનું બજેટ ખોરવાયું છે. બે વર્ષમાં ખાદ્યતેલ, પેટ્રોલ-ડીઝલના ભાવમાં દોઢ ગણો વધ્‍યો છે. જયારે ઘઉં-કઠોળથી માંડી જીવનજરૂરી દવાઓના ભાવમાં ૬૦ ટકા સુધી મોંઘી થઈ છે..જાન્‍યુઆરી ૨૦૧૯ની સરખામણીએ અત્‍યાર સુધીમાં પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસના ભાવમાં  અંદાજીત ૫૬ ટકાનો વધારો થયો છે.
રોજિંદા ખાદ્ય પદાર્થોના ભાવમાં ૩૧ ટકાનો વધારો થયો છે. એટલું જ નહીં આપણી રોજિંદી દવાઓ પણ મોંદ્યી થઈ ગઈ છે. ડાયાબિટીસ અને હ્વદય રોગની દવાઓના ભાવમાં ૫૫ ટકાનો વધારો થયો છે. આ સાથે જ લિંબુ અને મરચાના ભાવ આસમાને પહોંચતા મધ્‍યમવર્ગની હાલત કફોડી થઈ છે.
છૂટક બજારમાં લિંબુ ૨૦૦થી ૨૨૦ રૂપિયે કિલો અને મરચા ૧૨૦ રૂપિયે કિલો વેચાઇ રહ્યા હોવાથી ભાવ સાંભળીને જ લોકો ભડકી રહ્યા છે. વેપારીઓના મતે લિંબુમાં છેલ્લા ૫૦ વર્ષમાં ન જોવા મળ્‍યો હોય તેવો તોતિંગ ભાવ હાલમાં જોવા મળી રહ્યો છે. જયારે મરચાના વેપારીઓ જણાવી રહ્યા છેકે છેલ્લા ૧૦ વર્ષમાં તેઓએ લીલા મરચાના આટલા બધા વધેલા ભાવ જોયો નથી.
દેશના લોકો ઈંધણના મોરચે સતત મોંઘવારીનો આંચકો અનુભવી રહ્યા છે. આજે પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આજે ભલે આંતરરાષ્ટ્રીય મોરચે કાચા તેલની કિંમતો સસ્‍તી થઈ ગઈ હોય, પરંતુ દેશમાં સ્‍થાનિક મોરચે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થઈ ગયા છે.
રાજધાની દિલ્‍હીમાં આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૪૦ પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે, ત્‍યારબાદ પેટ્રોલની કિંમત ૧૦૩.૮૧ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૯૫.૦૭ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
મુંબઈમાં પેટ્રોલની કિંમત ૧૧૮.૮૩ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત પણ ઘટીને ૧૦૩.૦૭ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

 

(10:24 am IST)