Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

પાકિસ્તાનના રાજકારણમાં મોટી ઉથલપાથલ : ઇમરાનખાનને વડાપ્રધાન પદેથી હટાવી દેવાયા

કેબિનેટ સચિવાલયે ઈમરાનને પીએમ પદ પરથી હટાવવાની સૂચના જારી કરી

પાકિસ્તાનના રાજકારણમાં વધુ એક મોટી ઉથલપાથલ સામે આવી છે. કેબિનેટ સચિવાલયે ઈમરાનને પીએમ પદ પરથી હટાવવાની સૂચના જારી કરી છે.પાકિસ્તાન કેબિનેટ સચિવાલયે તાત્કાલિક અસરથી ઈમરાન ખાનને વડાપ્રધાન પદેથી હટાવવાની સૂચના જારી કરી છે.

જાણકારી અનુસાર, નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ દ્વારા નેશનલ એસેમ્બલીને ભંગ કરી દેવામાં આવી છે. તે જ સમયે, ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર દ્વારા ફગાવી દેવામાં આવ્યો હતો. આ પછી ઈમરાન ખાન તેમને સત્તા પરથી હટાવવાના વિપક્ષના પ્રયાસમાં બચી ગયા હતા.

 ડેપ્યુટી સ્પીકરે અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધા બાદ વિપક્ષે તેને “ગેરબંધારણીય” ગણાવ્યું હતું. બીજી તરફ નેશનલ એસેમ્બલીના વિસર્જન સામે વિપક્ષે રવિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

 

આ પછી, રવિવારે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની બેંચે નેશનલ એસેમ્બલીના વિસર્જન પર વિપક્ષની અરજી પર સુનાવણી શરૂ કરી. પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ઓમર અતા બંદિયાલે કહ્યું કે નેશનલ એસેમ્બલીના વિસર્જન અંગે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિના તમામ આદેશો અને કાર્યવાહી કોર્ટના આદેશોને આધીન રહેશે.

 નેશનલ એસેમ્બલીમાં 342 સભ્યો છે. બહુમત માટે 172નું સમર્થન જરૂરી છે. ઈમરાન ખાનને 142 સભ્યોનું સમર્થન છે. જ્યારે વિરોધીઓને 199 સભ્યોનું સમર્થન છે. તમને જણાવી દઈએ કે સૂચના મંત્રાલય દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનમાં 90 દિવસમાં ચૂંટણી યોજવામાં આવશે

(11:42 pm IST)