Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

નેચરલ ગેસના ભાવમાં વધારાને લીધે ONGCને 3 બિલિયન ડોલર અને રિલાયન્સને 1.5 બિલિયન ડોલરનો થશે ફાયદો

સરકારે કુદરતી ગેસના ભાવ બમણાથી વધુ કર્યા:નાણાકીય વર્ષમાં ONGCને 3 બિલિયન ડોલર અને રિલાયન્સને 1.5 બિલિયન ડોલરનો ફાયદો થશે

નવી દિલ્હી :વૈશ્વિક બજારમાં કુદરતી ગેસના ભાવમાં થયેલા વધારા વચ્ચે સરકારે તાજેતરમાં સ્થાનિક કુદરતી ગેસના ભાવમાં વધારો કર્યો હતો. 1 એપ્રિલ, 2022થી કુદરતી ગેસની કિંમત 2.9 ડોલર પ્રતિ mmBtu થી વધારીને રેકોર્ડ 6.10 ડોલર કરવામાં આવી છે. રિલાયન્સના ઊંડા સમુદ્રમાં સ્થિત મુશ્કેલ ઉત્ખનનવાળા ક્ષેત્રોમાંથી કાઢવામાં આવતી ગેસ માટે આ કિંમત 62 ટકા વધારીને 9.92 ડોલર પ્રતિ mmBtu કરવામાં આવી છે. અગાઉ આ કિંમત 6.13 ડોલર પ્રતિ mmBtu હતી. બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ જણાવ્યું હતું કે ગેસના ભાવમાં વધારાથી જાહેર ક્ષેત્રની કંપનીઓ ઓએનજીસી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને ઘણો ફાયદો થશે.

મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ અનુસાર, નેચરલ ગેસમાં વધારાને કારણે આ નાણાકીય વર્ષ (2022-23)માં જાહેર ક્ષેત્રની કંપની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ની વાર્ષિક આવકમાં 3 બિલિયન ડોલરનો વધારો થશે. ખાનગી ક્ષેત્રની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની આવક 1.5 બિલિયન ડોલર વધી શકે છે.

મોર્ગન સ્ટેનલીએ પોતાના એક રિપોર્ટમાં આ અંદાજ વ્યક્ત કર્યો છે. આ મુજબ, સ્થાનિક ગેસ ઉત્પાદનમાં એક દાયકા લાંબી તેજી, તેલ બજારોમાં ત્રણ-સ્તરના ઘટાડા સાથે (અનામત, રોકાણ અને વધારાની ક્ષમતા) ગેસ કંપનીઓ માટે નફો મેળવવાનું ચક્ર શરૂ થવાની સ્થિતીમાં છે. ONGC તેના ઘરેલું ગેસ ઉત્પાદનમાં 58 ટકા હિસ્સો ધરાવે છે અને ગેસના ભાવમાં પણ 1 ડોલર પ્રતિ mmBtu ના ફેરફારથી તેની આવકમાં પાંચ-આઠ ટકાનો ફેરફાર થાય છે.

મોર્ગન સ્ટેન્લીના અહેવાલ મુજબ, ઓએનજીસીની વાર્ષિક આવક નાણાકીય વર્ષ 2022-23માં 3 બિલિયન ડોલર સુધી વધવાનો અંદાજ છે. આ ઉપરાંત ONGCનું મૂડી પરનું વળતર પણ એક દાયકા પછી 20 ટકાથી ઉપર થવા જઈ રહ્યું છે.

આ સાથે, મોર્ગન સ્ટેનલીએ ઓક્ટોબર 2022માં અપેક્ષિત આગામી સમીક્ષા દરમિયાન ગેસના ભાવમાં વધુ 25 ટકા વધારાની આગાહી પણ કરી છે. ભારતમાં કુદરતી ગેસની કિંમત વર્ષમાં બે વખત નક્કી કરવામાં આવે છે. 1લી એપ્રિલે નક્કી કરાયેલી કિંમત 30મી સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. 1 ઓક્ટોબરે નક્કી કરવામાં આવેલ કિંમત 31 માર્ચ સુધી લાગુ રહેશે. ભારત છેલ્લા 12 મહિનામાં ચાર વૈશ્વિક કેન્દ્રો NBP, હેનરી હબ, આલ્બર્ટા અને રશિયા ગેસમાં ગેસની કિંમતના આધારે સ્થાનિક રીતે ગેસના ભાવ નક્કી કરે છે.

(11:09 pm IST)